વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
ભુજ તા. ૨૨ સપ્ટેમ્બર : વિદ્યાસહાયક ભરતી – ૨૦૨૪ (ધોરણ – ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) માં સામાજિક વિજ્ઞાનનું ફાઈનલ મેરિટ લિસ્ટ તાજેતરમાં જાહેર થયું હતું જેની જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે ત્યારે હવે ધો. ૬ થી ૮ ભાષાઓનું પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી ઉમેદવારોમાં ખુશી વ્યાપી છે.હવે ગણિત વિજ્ઞાન વિષયનું મેરિટ બાકી રહેશે.આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીને ટાંકીને વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર નામ. વડી અદાલતમાં દાખલ થયેલ સ્પે.સિ.એ.નં. ૮૧૬૯/૨૦૨૫ અને સંલગ્ર પીટીશનમાં તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) ની સુધારા-વધારા સાથેની નવી ફાઈનલ મેરીટયાદી પ્રસિધ્ધ ક૨વામાં આવી છે તથા મેરીટમાં આવતાં ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઈટ ઉપરથી ઓનલાઈન મેળવી શકશે. વિદ્યાસહાયક ભરતી -૨૦૨૪ માં ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) વિષયના અનામત / બિન અનામત કેટેગરીમાં દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઈન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.૨૬/૯/૨૦૨૫ થી તા.૧/૧૦/૨૦૨૫ દરમ્યાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે. વિષય વાઇઝ જોઈએ તો બિન અનામત કેટેગરીમાં ગુજરાતીનું 68.3486, હિન્દી નું 66.5300, અંગ્રેજીનું 70.5885 જ્યારે સંસ્કૃત વિષયનું 68.0285 ટકાએ મેરિટ અટક્યું છે.