AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદનું તાંડવ:-સતત પાંચમા દિવસે પણ ગાજવીજ સાથે વર્ષા, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કુદરતે અણધાર્યું તાંડવ સર્જ્યું છે.ભરઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા પાંચ દિવસથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.શુક્રવારે પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા સમગ્ર પંથકનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ.સામાન્ય રીતે  મે મહિનામાં ડાંગ જિલ્લામાં ભારે ગરમી પડતી હોય છે, પરંતુ આ વર્ષે કુદરતની વિચિત્ર લીલા જોવા મળી રહી છે.છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણની વચ્ચે સમયાંતરે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ મુશ્કેલીઓ લઈને આવ્યો છે.કમોસમી વરસાદનાં કારણે ખેતરોમાં ઉભો પાક બગડી રહ્યો છે.ખાસ કરીને કેરીના પાકને જંગી નુકસાન થઈ રહ્યુ છે.આ ઉપરાંત શાકભાજી અને અન્ય પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદે કુદરતના અણધાર્યા પરિવર્તનનો અનુભવ કરાવ્યો છે.જ્યાં એક તરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ આફત સમાન સાબિત થઈ રહ્યો છે.હવે જોવાનુ એ છે કે આ કમોસમી વરસાદ ક્યાં સુધી ચાલે છે અને ખેડૂતોને કેટલું નુકસાન વેઠવુ પડે છે.રાજયનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસામાં વરસાદના કારણે જે નયનરમ્ય દ્ર્શ્ય સર્જાતા હોય છે તે નયનરમ્ય દ્રશ્ય હાલમાં ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદને પગલે જોવા મળી રહ્યા છે.છેલ્લા પાંચ દિવસથી ગિરિમથક સાપુતારા ખાતે આહલાદક વાતાવરણ સર્જાતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો..

Back to top button
error: Content is protected !!