વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ કોલોનીની પાછળ ગતરોજ શિકારની શોધમાં ભટકતો દીપડો કૂવામાં પડી ગયો હતો.ત્યારે ચકચાર મચી જવા પામી હતી.અને જેની જાણ વન વિભાગની ટીમને થતા વન કર્મચારીઓ દીપડાનું રેસ્કયુ કરવા માટે દોડતા થયા હતા.મળતી માહિતી મુજબ મંગળવારનાં રોજ સાંજે 16:15 કલાકે ડાંગ જિલ્લાના આહવા પોલીસ કોલોનીની કેન્ટીનની પાછળના કોતર ભાગમાં એક દીપડો કુવામાં પડી ગયો હતો.પોલીસ લાઈનમાંથી ટેલિફોનિક જાણ થતા ડાંગ દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ રવિ પ્રસાદ રાધાક્રિષ્નાની મૌખિક સૂચના મુજબ ડાંગ ઉત્તર વન વિભાગનાં એ.સી.એફ રાહુલ પટેલ સહિત ઉત્તર અને દક્ષિણ ડાંગનાં આર.એફ.ઓ.અને સ્ટાફ રૂબરૂ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચ્યા હતા.પરિસ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક વન્ય જીવ (દીપડો)ને કૂવામાં પાંજરું ગોઠવીને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સમગ્ર રેસ્ક્યુ કામગીરી રાત્રે 21:00 કલાકે સહી સલામત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પ્રથમ નજરે જોતા દીપડાની આશરે ઉંમર 7 થી 8 વર્ષની માલુમ પડે છે.તથા પશુ ચિકિત્સકના રૂબરૂ બાહ્ય નજરે જોતા કોઈ ગંભીર પ્રકારની ઈજા જોવા મળી નથી.દીપડાને રેસ્ક્યુ કરીને હાલમાં ડાંગ દક્ષિણ વન વિભાગ હેઠળનાં વાસદા નેશનલ પાર્ક ખાતેના રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે.ત્યાં પશુ ચિકિત્સકની ઓબ્ઝર્વેશન તથા તેને સંપૂર્ણ ફિટ જાહેર કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સમગ્ર રેસ્ક્યુ પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રકારની જાનહાનિ કે સ્થાનિક લોકોને કોઈ વન્યજીવ (દીપડા) દ્વારા કોઈ ઈજા પહોંચાડેલ નથી.ઉલ્લેખનીય છે કે ,ડાંગ પોલીસ વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ તથા હેડ ક્વાટર્સ વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમગ્ર રેસ્ક્યુ કામગીરી દરમિયાન સહયોગ આપતા આ દીપડાને સહિસલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી..