
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૮ ઓક્ટોબર : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત કચ્છ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ લીધી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્ર વાઘેલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.આર.ફૂલમાલી, નાયબ પશુપાલન નિયામકશ્રી આર.ડી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય ચૌધરી અને શ્રીમતિ વિજયાબેન પ્રજાપતિ સહિત વિવિધ શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ આ પ્રતિજ્ઞામાં જોડાયા હતા.
ભારત વિકાસ પ્રતિજ્ઞા’ :- હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.
જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. કચ્છના નાગરિકો પ્રતિજ્ઞા લઈને સર્ટિફિકેટ મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.




