કારના કાચ તોડીને ચોરી કરતો કુખ્યાત અકીલ વ્હોરા આણંદ શાસ્ત્રી મેદાન નજીકથી ઝડપાયો
અમદાવાદ અને વડોદરામાં કારના કાચ તોડીને દાગીના, આઇફોન, રોકડાની ચોરી કર્યાની આરોપીની કબૂલાત
તસ્વીર:કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ:આણંદ
આણંદના શાસ્ત્રી મેદાન નજીકથી કારના કાચ તોડીને દાગીના, રોકડાની ચોરી કરતા કુખ્યાત ચોર અકીલ સલીમ નુરમહમ્મદ વ્હોરાને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો.પાર્ક કરેલ ગાડીની સીટ પર બેગ કે પર્સની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી.ઝડપાયેલ આરોપી અકીલ વ્હોરા ગાડીઓના કાચ તોડીને ચોરી કરવામાં રીઢો ગુનેગાર છે. તે છેલ્લા ૧૧ વર્ષથી આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલ છે. પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલ ગાડીઓમાં જે ગાડીમાં સીટ ઉપર બેગ કે પર્સ મૂકેલ હોય તે ગાડીનો કાચ તોડીને કિંમતી માલસામાનની ચોરી કરવાની તેની મોડસ ઓપરેન્ડી છે.પોલીસને બાતમી મળી હતી કે મૂળ પાદરામાં રહેતો અને કારના કાચ તોડીને ચોરી કરતો આરોપી સફેદ રંગની ઝેન એસ્ટીલો ગાડી નં. જીજે ૦૯ એએચ ૬૦૬૦ સાથે સર્કલ પાસે ઉભો છે. જેથી આણંદ એલસીબીએ ત્યાં પહોંચીને આરોપી પાસેથી આધાર પુરાવા વગરના ત્રણ મોબાઇલ અને ગાડી મળીને ૧.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પૂછપરછમાં આરોપી અકીલ વ્હોરાએ બે મોટી ચોરીની કબૂલાત કરી હતી. જેમાં ૨૪ જાન્યુ.૨૦૨૫ના રોજ અમદાવાદમાં બ્લોસમ પાર્ટી પ્લોટ પાસે પાર્ક કરેલ ઇનોવા ગાડીનો કાચ તોડીને સોનાના દાગીના અને આઇફોનની ચોરી કરી હતી.
જયારે ૬ નવે.ર૦ર૪ના રોજ વડોદરાના ખાનપુર ગામે ફાર્મની બહાર પાર્ક ટાટા નેક્ષોન ગાડીનો કાચ તોડીને સોનાના દાગીના,કપડાં અને રૂ. ૨ હજારની ચોરી કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અગાઉ પણ અનેક ચોરીના ગુનાઓમાં પકડાયો છે. આરોપી સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે