
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
છસરા ગામના સેવાભાવી ‘માસી’ વાસંતીબેન મજેઠીયાનું નિધન; સેવા અને સમર્પણના એક યુગનો અસ્ત
મુંદરા,તા.7:
મુંદરા તાલુકાના છસરા ગામમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી સેવાનું પર્યાય બનેલા અને ગામના અબાલ-વૃદ્ધ સૌના લાડકા ‘માસી’ તરીકે જાણીતા વાસંતીબેન ગોવિંદભાઈ મજેઠીયા (ઉં.વ. 65) નું ટૂંકી બીમારી બાદ 6 એપ્રિલના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી છસરા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મૂળ મોટી વિરાણીના વતની મજેઠીયા પરિવારે 35 વર્ષ પૂર્વે છસરાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. વાસંતીબેને આંગણવાડી કાર્યકર તરીકે સેવા શરૂ કરી જ્યારે તેમના પતિ ગોવિંદભાઈએ મોખા ગામમાં મધ્યાન ભોજનમાં રસોઈની જવાબદારી સંભાળી. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દીપકભાઈ લાલજીભાઈ ચોથાણીના પરિવાર સાથેના પારિવારિક સંબંધોને કારણે શરૂ થયેલું ‘માસી’ અને ‘માસા’નું સંબોધન જોતજોતામાં આખા ગામનું પ્રિય સંબોધન બની ગયું હતું.
પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના સ્વાધ્યાય વિચારોથી પ્રેરાઈને આ દંપતીએ ગામમાં સ્વાધ્યાય કેન્દ્રની શરૂઆત કરી હતી. આંગણવાડીના માધ્યમથી બાળકોનું રસીકરણ, પ્રાથમિક શિક્ષણ અને પોલિયો નાબૂદી જેવા રાષ્ટ્રીય અભિયાનોમાં વાસંતીબેનનું પ્રદાન અમૂલ્ય રહ્યું છે. માત્ર સરકારી ફરજ જ નહીં પરંતુ મહિલા મંડળો અને સ્વ-સહાય જૂથો બનાવીને તેમણે ગામની બહેનોને આર્થિક રીતે પગભર કરી બચતના પાઠ ભણાવ્યા હતા.
જૈન સમાજના ધાર્મિક પ્રસંગો હોય કે ગામના તહેવારો માસી-માસાની હાજરી અનિવાર્ય ગણાતી. ખાસ કરીને પેડી પ્રસાદના લાડવા બનાવવાની જવાબદારી આ દંપતી વર્ષો સુધી અત્યંત નિષ્ઠાપૂર્વક નિભાવતું આવ્યું હતું. પોતાના ત્રણ પુત્રો સાગર, ચંદ્રેશ અને જીગ્નેશને ઉચ્ચ સંસ્કારો આપી પગભર કરનાર વાસંતીબેને પરગજુ અને પરોપકારી જીવન જીવીને અન્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સ્વ. વાસંતીબેન મજેઠીયાની સ્મૃતિમાં બંને પક્ષની પ્રાર્થના સભા આગામી તા. 08-04-2026, બુધવારના રોજ સાંજે 4 થી 5 કલાકે, હિંગળાજ માતાજીના મંદિરની બાજુમાં, મારુ ફળિયું, છસરા (તા. મુંદરા) ખાતે રાખવામાં આવી છે.
ગામના એક સાચા સેવક અને વડીલ ગુમાવ્યા બદલ ગ્રામજનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




