GUJARATKUTCHMUNDRA

રતાડીયાના સખી મંડળની લડત બાદ વડીલની વહારે આવ્યું પ્રધાનમંત્રી કાર્યાલય 

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

રતાડીયાના સખી મંડળની લડત બાદ વડીલની વહારે આવ્યું પ્રધાનમંત્રી કાર્યાલય 

 

રતાડીયા (મુંદરા), તા.૧0:

કચ્છના અંતરિયાળ વિસ્તારમાંથી શરૂ થયેલો એક નાનો સામાજિક અવાજ આજે સમગ્ર દેશના કરોડો નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. કચ્છના મુંદરા તાલુકાના રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર દ્વારા ગ્રામીણ વડીલોના સાહિત્ય અને અખબારો બારોબાર પસ્તીમાં વેચી દેવા અંગે શરૂ કરાયેલી લાંબી લડતનો આખરે વિજય થયો છે. તાજેતરમાં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ના સીધા હસ્તક્ષેપ બાદ ભારતીય પોસ્ટ વિભાગે દેશભરમાં સાદી ટપાલનું પણ ઓનલાઈન ટ્રેકિંગ કરવાનો ઐતિહાસિક નીતિગત નિર્ણય લેવો પડ્યો છે.

 

હદ તો ત્યારે થઈ જ્યારે ૮૦ વર્ષના વડીલના ‘પુરસ્કારના ચેક’ ની ટપાલ ખોવાઈ ગઈ !

આ લડત પાછળ એક અત્યંત કરુણ અને આક્રોશજનક ઘટના જવાબદાર હતી. તિતિક્ષાબેનના દાદા ૮૦ વર્ષના છે જેઓ કચ્છના એક નાનકડા ગામમાં રહે છે અને નાનપણથી જ લેખ તેમજ કવિતાઓ લખવાનો શોખ ધરાવે છે તેઓ પોતાનો સમય સામાયિકો વાંચીને પસાર કરે છે. તેમના એક શ્રેષ્ઠ લેખ બદલ એક સાહિત્યિક સામાયિક દ્વારા સાદા કવરમાં પ્રોત્સાહનરૂપી ‘પુરસ્કારનો ચેક’ મોકલવામાં આવ્યો હતો. પરંતુ ભ્રષ્ટ અને બેજવાબદાર ટપાલીએ આ સાદું કવર વડીલ સુધી પહોંચાડ્યું જ નહીં અને પૂછપરછ કરતા ખોવાઈ ગયું એવો ઉડાઉ જવાબ આપેલ. એક વડીલની જિંદગીની સાધનાના સન્માન સમાન ચેક ગાયબ થઈ જતાં પરિવારને નાછૂટકે છેક PMO સુધી ફરિયાદ કરવાની ફરજ પડી હતી.

 

‘ઝાંપા સુધીની શેઠની શિખામણ’ બાદ PMO નો કાયમી કોરડો વિંજાયો :

 

આ પૂર્વે ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ PMO અને CPGRAMS પોર્ટલ પર ઓનલાઈન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેના આધારે સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ (કચ્છ ડિવિઝન, ભુજ) દ્વારા ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ કચ્છના તમામ પોસ્ટ માસ્તરોને સાદી ટપાલ નિયમિત વિતરણ કરવા ઠપકા સાથે કડક આદેશ આપ્યો હતો. પરંતુ સ્થાનિક કક્ષાએ આ આદેશની અસર માત્ર એકાદ મહિનો જ રહી અને પરિસ્થિતિ ફરી એની એ જ થઈ ગઈ હતી.

સ્થાનિક તંત્રના આ ઠાગાઠૈયા અને મોનિટરિંગના અભાવ વચ્ચે સખી મંડળે લડત ચાલુ રાખી અને આખરે પ્રધાનમંત્રી કાર્યાલયે તાજેતરમાં સીધો આદેશ કરી સમગ્ર દેશ માટે કાયમી અને ટેકનોલોજી આધારિત નિકાલ લાવી દીધો છે. હવે દેશભરની તમામ ૯૦ કરોડ સાધારણ ટપાલો પર વિશિષ્ટ બારકોડ લગાવી ‘ડાક સેવા’ એપ્લિકેશન દ્વારા તેનું ડિજિટલ ટ્રેકિંગ ફરજિયાત કરાયું છે.

 

મોદી સરકારમાં મોડું થાય પણ નક્કર કામ થાય છે

આ ભવ્ય સફળતા અંગે હર્ષ વ્યક્ત કરતા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કરે જણાવ્યું હતું કે “જ્યારે એક ટપાલી ૮૦ વર્ષના વૃદ્ધના સાહિત્યિક પુરસ્કારનો ચેક પણ ગુમ કરી દે ત્યારે તંત્રની સંવેદનશીલતા મરી પરવારી હોય તેવું લાગે છે. વહીવટી પ્રક્રિયામાં થોડો સમય ચોક્કસ લાગ્યો પરંતુ PMO એ જે પરિણામ આપ્યું છે તે દેશના અખબારી જગત, સાહિત્ય સંસ્થાઓ અને વડીલોના સન્માનને નવું જીવન આપનારું છે. મોદી સરકાર માટે કહેવાય છે કે સમય ચોક્કસ લાગે છે પણ ઉકેલ હંમેશા નક્કર અને કાયમી આવે છે એટલે કે “મોડું થશે, પણ મજા આવશે અને તે આ કિસ્સાથી ફરી એકવાર સાબિત થાય છે.” અને કદાચ એટલે જ અંધભક્તનો ખિતાબ મળ્યા પછી પણ લોકો કહે છે કે “મત ગમે તેને આપો, પણ આવશે તો મોદી જ.”

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!