Gondal: ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જન્માષ્ટમી, લોકમેળાના આયોજકો સાથે બેઠક યોજાઈ

તા.૧૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મેળામાં ફાયર સેફ્ટી, રાઈડ્સ અંગેના નિયમો પાળવા, સીસીટીવી સહિત સુરક્ષા વ્યવસ્થા જાળવવા આયોજકોને સૂચના
તહેવાર તથા મેળા પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે
જન્માષ્ટમીએ દ્વારકા પછી બીજા ક્રમની સૌથી મોટી શોભાયાત્રા ગોંડલમાં નીકળે છે
Rajkot, Gondal: ગોંડલમાં આગામી જન્માષ્ટમીના તહેવારો અને લોકમેળાના સુચારુ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.આઈ. શ્રી જે.પી. રાવ અને શ્રી એલ.આર. ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જન્માષ્ટમી શોભાયાત્રા અને લોકમેળાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી ઉત્સવો શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો.
નોંધનીય છે કે, જન્માષ્ટમીએ દ્વારકા પછી ગોંડલમાં બીજા ક્રમની સૌથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને સાથે જ ભવ્ય સાંસ્કૃતિક લોકમેળો પણ યોજાય છે. ગોંડલમાં આ વર્ષે આ લોકમેળો આગામી ૧૪ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ સુધી યોજાનાર છે, ત્યારે શોભાયાત્રા તથા મેળાના આયોજકો સાથે પોલીસ દ્વારા વિવિધ પાંસાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જેમાં હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ નીકળનારી આ ભવ્ય શોભાયાત્રાના રૂટ, તેમાં જોડાનાર અંદાજિત લોકોની સંખ્યા અને રનિંગ ફ્લોટ્સની વિગતો અંગે ચર્ચા થઈ હતી. પોલીસ દ્વારા આયોજકોને શોભાયાત્રાના નિર્ધારિત રૂટ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
લોકમેળાના આયોજકોને સરકારી ધારાધોરણો અને મંજૂર થયેલા પ્લાન મુજબ જ મેળાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, ફાયર સેફટીના સાધનો અને તમામ સ્ટોલમાં ફાયર એક્સ્ટીંગ્યુશરની રાખવા, મેળાના પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવા, રાઈડ્સમાં તેની ક્ષમતા મુજબ જ લોકોને બેસાડવા, મેળાના આયોજકોને સંચાર માટે વોકી-ટોકી સિસ્ટમ રાખવી, મેળા માટે પર્સનલ સિક્યુરિટી ગાર્ડ્સની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.
બંને પોલીસ ઈન્સ્પેક્ટર તરફથી જણાવાયું હતું કે, તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં લોકમેળા માટે ૦૨ પી.આઈ., ૦૪ પી.એસ.આઈ., ૧૫૦ પોલીસ સ્ટાફ (મહિલા પોલીસ સહિત), ૫૦ હોમગાર્ડ જવાનો, ૧૦ ટી.આર.બી. જવાનો, ૧૬ એસ.આર.પી. જવાનો અને નિરીક્ષણ માટે ૦૪ પોલીસ વોચ ટાવરમાં બંદોબસ્ત રહેશે.
જન્માષ્ટમી શોભાયાત્રા માટે ૦૨ પી.આઈ., ૦૨ પી.એસ.આઈ., ૩૫ પોલીસ સ્ટાફ, ૩૦ હોમગાર્ડ જવાનો, ૦૮ એસ.આર.પી. જવાનોનો બંદોબસ્ત રહેશે.
આ બેઠકમાં હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ટોળીયા, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના શ્રી દિનેશભાઈ માધડ, શ્રી જગાભાઈ ભરવાડ, શ્રી ગીરીશભાઈ ગોહેલ સહિતના સભ્યો અને મેળા કમિટીના શ્રી ભાર્ગવભાઈ પરમાર સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.






