BHUJGUJARATKUTCH

ભૂખી નદીના નવસર્જનનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત્ કરાયું

સૂકાભઠ્ઠ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છમાં જળસંચયના પ્રકલ્પો થકી ભવિષ્યમાં ખળખળ વહેતી નદીઓ જોવા મળશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ આવનારી પેઢી માટે માત્ર ધન સંચય નહીં પરંતુ જળસંચયનો અભિગમ અપનાવો

પાણી વગરના પ્રદેશમાંથી ગયેલા પાણીદાર કચ્છીઓએ દેશભરમાં પાણી બતાવ્યું છે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જળસંચયના પ્રકલ્પો જરૂરી

વડાપ્રધાનશ્રીના “કેચ ધ રેઇન”ના સંકલ્પ હેઠળ દરેક ઘર, ખેતર તથા નદી –નાળામાં વહી જતા પાણીના સંગ્રહ માટે જળસંચય સ્ટ્રક્ચર બનાવો

– સૂકાભઠ્ઠ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છમાં જળસંચયના પ્રકલ્પો થકી ભવિષ્યમાં ખળખળ વહેતી નદીઓ જોવા મળશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘર તથા ખેતરો સુધી નર્મદાના નીર પહોંચાડી કચ્છ પાણીદાર બનાવ્યું

ભુજ,તા-૧૪ ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે કચ્છની જળસંપત્તિ અને જળ સંચય સંદર્ભે જિલ્લાની ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટનું આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે ગાંધીધામ ખાતે ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલે પાણી વગરના પ્રદેશમાંથી બહાર ગયેલા પાણીદાર કચ્છી દાતાઓએ ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટ માટે 5 લાખ થી 50 કરોડના આપેલ માતબર દાનને બિરદાવતા જણાવ્યું હતું કે, એક સમયે કચ્છ પાણીની તંગીથી પીડિત હતો પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘર, ખેતરો સુધી નર્મદાના નીર પહોંચાડતા આજે કચ્છ પાણીદાર બન્યું છે. વડાપ્રધાનશ્રીના કેચ ધ રેઇન, વોટર હાર્વેસ્ટિંગ તથા જળસંચયના કામોના આહ્વાન પગલે કચ્છમાં જનભાગીદારી હેઠળ દાતાઓ, સંસ્થાઓ, પદાધિકારીઓ તથા રાજ્ય સરકાર દ્વારા દાખલારૂપ કામો થઈ રહ્યા છે.આ તકે તેમણે જણાવ્યું હતું કે, પાણી વગરના પ્રદેશમાંથી ગયેલા પાણીદાર કચ્છીઓએ આખા દેશમાં તેમનું પાણી બતાવ્યું છે અને આજે પોતાના માદરે વતનમાં પણ જળસંચયના કામોમાં યોગદાન આપી રહ્યા છે. પાણી આવશે તેવો વિશ્વાસ નહીં પરંતુ પાણી લાવવાની ખુમારીથી ભરેલા કચ્છીઓને આવનારી પેઢી માટે માત્ર ધન સંચય નહીં પરંતુ જળસંચયનો અભિગમ અપનાવા આહવાન કર્યું હતું કચ્છનું ખમીર તથા ખમીરવંતી પ્રજાને બિરદાવતા જળશક્તિ મંત્રીશ્રીએ ગામનું પાણી ગામ અને સીમનું પાણી સીમમાં રહે એ સંકલ્પ સાથે પોતાના ઘરથી જ પાણી સંગ્રહની શરૂઆત કરવા તેમજ ગામમાં જળસંચયના સ્ટ્રકચરો ઊભા કરવા માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ જળસંચય માટે વિવિધ માર્ગ સૂચવ્યા છે, જેમાં જનભાગીદારી થી જળસંચયના કામો દેશભરમાં થઈ રહ્યા છે. કર્મભૂમિથી માતૃભૂમિ માટે સહયોગના વડાપ્રધાનશ્રીના આહવાનને પગલે 35 લાખ સ્ટ્રક્ચર દેશભરમાં માત્ર અનુદાનથી નિર્માણ પામ્યા છે, જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ, મનરેગા હેઠળ રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામોને ત્વરાએ શરૂ કરવા જણાવતા ઉમેર્યું હતું કે, ભૂગર્ભ જળને ઊંચું લાવવા માટે તથા વરસાદી પાણીના બચાવ માટે દરેક ગામ નદી–નાળા તથા ખેતરોમાં ભરાતા પાણીને જમીનમાં ઉતારવા માટેના સ્ટ્રક્ચર તૈયાર કરવા સંકલ્પબદ્ધ થાય તે આજની જરૂરિયાત છે. પાણીને વાપરવું એ નાગરિકોનો હક છે, ત્યારે પાણીનો સંચય કરવો એ પણ નાગરિકની ફરજ છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે દરેક નાગરિકને પાણી સંચયના શપથ લેવા કેન્દ્રીયમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.કચ્છમાં જનભાગીદારીથી થતા જળ સંગ્રહના કામોમાં ક્યાંય પણ આર્થિક સહયોગની જરૂર પડે તો રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર હરહંમેશ કટિબદ્ધ છે એવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉપસ્થિત સામાજિક સંસ્થા, દાતાઓ તેમજ નાગરિકોને આપ્યો હતો. આ તકે જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજા ભગીરથ ગંગાને પૃથ્વી ઉપર લાવ્યા એ જ રીતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી દેશભરના ઘર, ખેતરો સુધી પાણી પહોંચાડીને ભગીરથ કાર્ય કરી બતાવ્યું છે. વધુમાં તેમણે ખેડૂતોને સરકારની યોજના અંતર્ગત લાભ લઈને પાણીના બચાવ માટે ડ્રીપ ઈરીગેશનથી પાણીનો ગુણવત્તાયુક્ત ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. કચ્છમાં જન ભાગીદારીથી થતા જળસંગ્રહના કામોથી પ્રભાવિત કેન્દ્રીયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છને સુકુભઠ્ઠ કહેનારા લોકો ભૂખીનદી પ્રોજેક્ટ સહિતના જળસંચયના પ્રકલ્પો થકી આગામી સમયમાં કચ્છમાં ખળખળ વહેતી નદીઓને જોશે તો નવાઈ નહિ! કચ્છના જળ સંચયના કામો દેશ માટે પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કચ્છની ખમીરી, ખુમારી તથા કચ્છના દાતાઓની ખાનદાનીને બિરદાવતા જળસંપત્તિ પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ભૂખી નદી ભૌગોલિક તેમજ સામાજિક વિશિષ્ટતા ધરાવે છે ત્યારે તેને ફરી પુનર્જીવિત કરવાનો આ પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં દાખલા રૂપ બનશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ આપનાર દાતાઓ તેમજ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી સંસ્થાઓ પોતાની સામાજિક જવાબદારી અદા કરીને જળની કિંમત સમજી પર્યાવરણના જતન સાથે નવી પેઢી માટે દાખલા રૂપ કામ કરી રહી છે. પ્રકૃતિના તત્વો અને પૂજવાની ભારતીય સંસ્કૃતિને આ પ્રોજેક્ટ સાર્થક કરી રહ્યો છે. ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ, ભૂખી નદી નવસર્જનને એક ઐતિહાસિક ઘટના ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં વોટર હાર્વેસ્ટિંગના કામ કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે આવનારા સમયમાં ભારત પાણીની બાબતે આત્મનિર્ભર તથા સક્ષમ બનશે. તેમણે નાગરિકોને ભૂગર્ભજળ તેમજ સર્ફેસ વોટરની દિશામાં દેશને સમૃદ્ધ બનાવવા સહયોગ આપવા અપીલ કરી હતી.વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના “કેચ ધ રેઈન” સંકલ્પને સાકાર કરવા જલશક્તિ મંત્રીશ્રી સમગ્ર ભારતમાં સક્રિય કામગીરી કરી રહ્યા છે. જળશક્તિ મંત્રાલયના માધ્યમથી ભારતભરમાં જળસંચયના અત્યાર સુધી 35 લાખ સ્ટ્રક્ચર ઊભા થયા છે. તેમણે ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટમાં જનભાગીદારી સાથે રાજ્ય સરકારના સહયોગની માહિતી આપતા સમગ્ર પ્રોજેક્ટથી થનારા ફાયદા પર પ્રકાશ પાડ્યો હતો. વધુમાં સાંસદશ્રીએ વરસાદ પહેલા દરેક નાગરિકને જળ રિચાર્જના કામ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટ માટે અભિનંદન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની જળસંચય પ્રત્યેની પ્રતિબદ્ધતાને આ પ્રોજેક્ટ સાર્થક કરશે. તેમણે ગાંધીધામ મત વિસ્તારમાં થતા જળસંચયના કામો અંગે છણાવટ કરીને તેમની પ્રગતિ અંગે વિગતો આપી હતી.ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેએ ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટથી મુન્દ્રા તાલુકામાં આવેલા ગામો,ખેતી, પર્યાવરણ તથા અન્ય થનારા લાભ બદલ આભાર વ્યક્ત કરતા મુન્દ્રા– માંડવી મત વિસ્તારમાં વર્તમાન જળસંચય તેમજ ભવિષ્યમાં થનારા કામો અંગે છણાવટ કરી હતી.કાર્યક્રમમાં ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટ અંતર્ગત આર્થિક અનુદાન સંદર્ભે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રોજેક્ટ માટે કચ્છી દાતાઓએ 5 થી 50 કરોડ સુધીનું અનુદાન જાહેર કરી વડાપ્રધાનશ્રીના “કેચ ધ રેઈન” જળસંચયના સંકલ્પ અંતર્ગત કચ્છને પાણીદાર બનાવવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ગાંધીધામ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે દીનદયાળ પોર્ટ ઑથોરિટી, કંડલા, ગ્લોબલ કચ્છ તથા કચ્છમિત્ર આયોજીત કાર્યક્રમમાં સર્વ ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, ઓલપાડના ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી ડૉ.નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર , કંડલા પોર્ટ ચેરમેનશ્રી સુશીલકુમાર સિંગ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મનીષ ગુરુવાણી, ગ્લોબલ કચ્છના પ્રમુખશ્રી હાર્દિકભાઈ મામણીયા, કચ્છમિત્ર તંત્રીશ્રી દીપકભાઈ માંકડ, અગ્રણીશ્રી દેવજીભાઇ વરચંદ હાજર રહ્યા હતા . ઉલ્લેખનીય છે કે, ભૂખી નદીનો કાયાકલ્પ થવાથી નદીના પટના ૩૨ કિ.મી વિસ્તારમાં આવતા ૧૧ પ્રત્યક્ષ અને ૧૪ પરોક્ષ ગામોમાં પાણી, ખેતી, પર્યાવરણ, લોકોની આવકમાં વધારો જેવા વિવિધ ક્ષેત્રમાં ફાયદો થશે, ભૂગર્ભજળ ૧૫ મીટર સુધી ઉંચા આવશે, પાણીની સંગ્રહ ક્ષમતા ૧.૫૦ મિલિ. ઘન લિટર થશે. સિંચાઇ વધતા ૯૪૦૦ હેક્ટર પ્રત્યક્ષ અને ૯૮૦૦ હેક્ટર પરોક્ષ જમીનને ફાયદો થતા ખેતીની આવક ૨૦ ટકા સુધી ઉંચી જશે. ૫૦ હજારથી વધુ માનવ દિવસ અને કાયમી નોકરીઓના સર્જન સાથે રોજગાર વધશે. સ્વચ્છ પાણી અને સ્વચ્છતાને લીધે ૩૦ થી ૩૫ ટકા પાણીજન્ય રોગો ઘટશે. આજીવિકા અને પાણીની ઉપલબ્ધતામાં સુધારા સાથે ૨૫ થી ૩૦ ટકા સુધી મોસમી સ્થળાંતર ઘટશે. સામુદાયિક સશક્તિકરણ અને માલિકી – નદીની સંભાળ માટે યુવાનો અને મહિલાઓને સામેલ કરાતા ૧૧ ગામોમાં બીઆરએમસીની રચના થશે. આયુષ્યમાં ૨ વર્ષથી વધુનો અપેક્ષિત વધારો થશે. ભૂખી નદી સાથે જોડાયેલા સ્થાનિક મેળાઓ, ધાર્મિક પરંપરાઓ અને સાંસ્કૃતિક ગૌરવ પુનજીર્વિત થતાં સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણનું પુનરૂત્થાન થશે, રમત મેદાનો, ગઝીબો અને એલઇડી લાઇટીંગ સાથેના ૧૧ રીવરફ્રન્ટ પાર્ક વિકસશે. જેથી ઇકો ટુરિઝમ અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકતાને બળ મળશે. કુલ લગભગ ૫૦ હજારથી વધુ વૃક્ષોન ઉછેર સાથે ૭.૩૦ હેક્ટર વિસ્તારમાં હરિયાળી છવાઇ જશે.

Back to top button
error: Content is protected !!