કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ : ૨૦૨૫
અંજાર,તા-૨૬ જૂન : “ઉત્સવ…બાળકોના સર્વાંગી વિકાસની” થીમ સાથે ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે અંજાર તાલુકામાં પદાધિકારી ઓ અને અધિકારી ઓની હાજરીમાં ઉત્સાહભેર બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો. સરકારી અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલ, અંજાર નગરપાલિકા શાળા નંબર ૬, અંજાર નગરપાલિકા શાળા નંબર ૪ ખાતે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતાં. આ પ્રસંગે ત્રિકમભાઈ છાંગા એ દીપ પ્રાગટ્ય કરીને બાળકોને ઉજજ્વળ ભવિષ્યની કામના કરી હતી. આ અવસરે તેમણે શિક્ષણને જીવન ઘડતરની ચાવી ગણાવીને કન્યાશિક્ષણ પર ભાર મૂક્યો હતો. આ સાથે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો હતો.
સુગારીયા પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી શ્રી એસ.જે. ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોમાં પર્યાવરણ જતનની સમજણ ઉભી કરવા પ્રાંત અધિકારી એસ.જે.ચૌધરીએ બાળકો સાથે વૃક્ષારોપણ કર્યુ હતું.
ભલોટ પ્રાથમિક શાળા અને મખીયાન પ્રાથમિક શાળામાં તાલુકા પ્રા. શિક્ષણાધિકારીશ્રી આર.ડી.મહેશ્વરીની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતો. આ પ્રસંગે તાલુકાના શિક્ષણાધિકારી જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તથા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે વિવિધ યોજનાઓ અમલી કરાઇ છે સાથે જ શાળામાં વિવિધ સુવિધા પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે તેમના વરદહસ્તે બાળકોને શૈક્ષણિક કીટ તથા રોપાની ભેટ આપીને બાળકોને હર્ષોલ્લાસ સાથે શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તેમજ હીરાપર કુમાર અને હીરાપર કન્યા પ્રાથમિક શાળામાં કચ્છ કાર્યપાલ ઈજનેર શ્રી એ.વી.પટેલે બાળકોને ઉલ્લાસભરે શાળા પ્રવેશ કરાવ્યો હતો.
કાર્યક્રમમાં અધિકારી ઓ તથા પદાધિકારી ઓએ જણાવ્યું હતું કે, આજના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દરેક માતા-પિતા પોતાના બાળકને શાળામાં પ્રવેશ અપાવે તે જરૂરી છે. આ પ્રસંગે બાળકોને મીઠાઈ ખવડાવીને વ્હાલથી શાળામાં આવકાર આપવામાં આવ્યો હતો.