GUJARATKUTCHMANDAVI

માંડવીની કોલેજોમાં ગુંજ્યો વ્યસન મુક્તિનો નાદ : “વ્યસનને નકારો જીવનને અપનાવો” નાટક દ્વારા યુવાઓને જાગૃત કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા.-૦૮ જાન્યુઆરી : મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત ‘શિક્ષાપત્રી જન કલ્યાણ અભિયાન યાત્રા’ અંતર્ગત માંડવી ખાતે ભવ્ય વ્યસન મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે તા. 7 જાન્યુઆરીના રોજ માંડવીની શેઠ શુરજી વલ્લભદાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં “વ્યસનને નકારો જીવનને અપનાવો” શીર્ષક હેઠળ પ્રભાવશાળી નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા ગુજરાતી ફિલ્મ કલાકાર સૌરભ રાજ્યગુરુ અને તેમની ટીમ રહી હતી. ઉલ્લેખનીય છે કે સૌરભ રાજ્યગુરુએ ‘ભલે પધાર્યા’ અને ‘લવની લવ સ્ટોરી’ જેવી ફિલ્મો તેમજ 1500 થી વધુ મ્યુઝિક વીડિયોમાં અભિનયના ઓજસ પાથર્યા છે. આ નાટક દ્વારા કલાકારોએ જીવંત સંદેશ આપ્યો હતો કે ખરાબ સંગતને કારણે આવતા નકારાત્મક વિચારો અને તેનાથી થતું ખરાબ આચરણ કઈ રીતે વ્યક્તિનું સમગ્ર જીવન બરબાદ કરી નાખે છે.

નાટકમાં માત્ર પરંપરાગત વ્યસનો જ નહીં પરંતુ આધુનિક સમયના જોખમી વ્યસનો જેવા કે ઓનલાઇન ગેમિંગ, સટ્ટો અને જુગાર પ્રત્યે પણ લાલબત્તી ધરવામાં આવી હતી. દારૂ અને ડ્રગ્સ જેવા જીવલેણ વ્યસનોથી દૂર રહીને સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન સંસ્થાના સેવક ભાઈઓ અમરભાઈ, નિશાંતભાઈ અને નિખિલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આ નવતર અભિગમને કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઈ બારડ અને સમગ્ર સ્ટાફે બિરદાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!