વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, શુક્રવાર: રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં ૨૦ મી ફેબ્રુઆરી-૨૦૨૫થી ૩૧ મી માર્ચ-૨૦૨૫ સુધી બ્લડ પ્રેશર (બી.પી) અને ડાયાબિટીસ (સુગર)ના દર્દીઓની મેગા નોંધણી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. એન.પી-એન.સી.ડી. પ્રોગ્રામ અંતર્ગત બીન-ચેપી રોગોના સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે, જેનો લાભ દરેક ૩૦થી વધુ ઉંમરના નાગરિકો લઈ શકશે.આ ઝુંબેશ હેઠળ વિનામૂલ્યે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન કરવા સહિત દવાઓ પુરી પાડવી તેમજ ઘરે-ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા આપવી વગેરે આયોજન કરવામાં આવ્યું છે.ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવશો? તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર (સબ-સેન્ટર) ખાતે નોંધણી કરાવી શકો છો. આશાવર્કર, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે-ઘરે આવી નોંધણી કરશે. આ અભિયાન અંતર્ગત દર્દીઓની વિગતો સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે. ૩૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકોએ વર્ષમાં બે વાર બી.પી અને ડાયાબિટીસની ચકાસણી કરાવવી જરૂરી છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. જેના માટે સરકારશ્રી દ્વારા દવાઓની ઉપલબ્ધતા અને જરૂરી નિદાન માટેના આયોજન માટે નોંધણી કરાવવી જરૂરી છે. આ અભિયાનમાં નાગરિકોને સહકાર આપવા કચ્છ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મિતેષ ભંડેરી દ્વારા અનુરોધ કરાયો છે.