નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે નવસારીના બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન મળશે..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*નવસારી જિલ્લાના દતનગરના બાગલે પરિવારના અંગદાનના માનવતાવાદી અભિગમથી ત્રણને મળશે નવજીવન*
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૭૮મું સફળ અંગદાન થયું છે. નવસારી જિલ્લાના દતનગર ખાતે રહેતા બાગલે પરિવારના બ્રેઈનડેડ મહિલાના બે કિડની અને એક લીવર દાન થતા ત્રણ જરૂરિયાતમંદ નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લાના દતનગર ખાતે રહેતા ૫૦ વર્ષીય શંકુતલા કિશોરભાઇ બાગલેને ચક્કર આવવાથી પડી ગયા હતા, જેથી પરિવારજનો દ્વારા ૧૦૮ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં શંકુતલાબેનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ માથાના પાછળના ભાગે ગાંઠ હોવાથી હાલત ગંભીર જણાતા તા.૨૬મી ઓગસ્ટે વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તબીયત લથડતા ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર બાદ તા.૧૧મી સપ્ટેમ્બરે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
બાગલે પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. પતિ કિશોરભાઇ આનંદભાઇ બાગલે અને પુત્ર ભરતભાઇ કિશોરભાઇ બાગલે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી.
સ્વ.શંકુતલાબેનના પુત્ર ભરતભાઇ બાગલેએ કહ્યું હતું કે, અંગદાન કરવાની પ્રેરણા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના લાગેલા અંગદાનના પોસ્ટર થકી તેમજ થોડા દિવસ પહેલા જ અંગદાન કરતાં એક પરિવારને જોયું હતું, જેથી વિચાર આવ્યો કે, અંગદાન કરવાથી બીજા અન્ય લોકોનું જીવન બચી શકે છે, જેથી માતા અંગોનું દાન કરતા અન્ય ત્રણ લોકોને નવજીવન મળશે.
આજે બ્રેઈનડેડ સ્વ. શંકુતલાબેનના લીવર અને બે કિડની દાન કરાયું હતું. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૭૮મું અંગદાન થયું છે.