GUJARATKUTCHMANDAVI

કચ્છના આઇકોનિક સ્થળ કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ તથા ધોળાવીરા ખાતે તિરંગા યાત્રા યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૯ ઓગસ્ટ : આઝાદીની ઉજવણી યાદગાર બનાવવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર કચ્છ જિલ્લામાં તા. ૦૮ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાન અને “તિરંગા યાત્રા” અંતર્ગત કાર્યક્રમોનો પ્રારંભ થઇ ચુકયો છે.”હર ઘર તિરંગા યાત્રા” અને “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારો તથા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રા યોજાશે. તા.૮ અને ૯ ઓગષ્ટના તાલુકા કક્ષાએ ચિત્ર, નિબંધ, રંગોળી સ્પર્ધા તથા દરેક સરકારી કચેરીમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૦ ઓગસ્ટના કચ્છના આઇકોનિક સ્થળ કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ તથા ધોળાવીરા ખાતે તિરંગા યાત્રા યોજાશે. ૧૧ ઓગસ્ટના સવારે ૯ કલાકે ભુજ જયુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ડફ્રેડ હાઇસ્કુલ સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં પોલીસ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોક નૃત્ય કલાકારો, અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો, આઇકોનીક વ્યકિતઓ, સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. જયારે તા.૧૨ ઓગસ્ટના તમામ તાલુકા મથક પર મુખ્ય કાર્યક્રમ અને દરેક ગ્રામ પંચાયત દીઠ કાર્યક્રમો તથા તિરંગા યાત્રા યોજાશે. તા.૧૩ ઓગસ્ટના સરહદી વિસ્તાર ધરાવતા કચ્છના ૫૯ ગામમાં એકતા અને સમસરતા તથા રાષ્ટ્રભાવના બળવત્તર બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓમાં નિબંધ, ચિત્ર, રંગોળી અને દેશભક્તિનાં ગીતોની સ્પર્ધા યોજવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ લોકજાગૃતિના કાર્યક્રમો અને નાટકો પણ યોજાશે. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિ થીમ આધારિત ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન તેમજ ઇનામ વિતરણ કરાશે. તાલુકા મથકના ૯ કાર્યક્રમ પૈકી ૭ કાર્યક્રમ નગરપાલિકા કક્ષાએ તેમજ ૨ કાર્યક્રમ ગ્રામ્ય તાલુકા મુખ્ય મથક ખાતે થશે. જેમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુંદરા, નખત્રાણા નગરપાલિકા તેમજ અબડાસા અને લખપત ગ્રામ્યનો સમાવેશ થાય છે. આ અભિયાન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા દેશભક્તિ થીમ આધારીત ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મહાનુભાવો અને ઇન્ફલુએન્સરની તિરંગા સાથેની સેલ્ફી પોસ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત નગરપાલિકા, પંચાયત ગ્રામ્ય વિસ્તાર, પોલીસ વિભાગ દ્વારા ૯૯૪૫૦ તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!