વલસાડમાં તિથલ સ્વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના ૧૧માં આંતરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આજના ઝડપી યુગમાં તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે નિયમિત યોગાભ્યાસ ખૂબ જ જરૂરીઃ સાંસદશ્રી ધવલ પટેલ યોગને દરેક ઘર સુધી, દરેક વ્યકિત સુધી પહોંચાડવા માટે સામૂહિક પ્રયાસનો સંકલ્પ લેવામાં આવ્યો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગને ભારતની સંસ્કૃતિ અને શક્તિ તરીકે વિશ્વભરમાં ઉજાગર કરી
વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયેલા યોગ દિનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી તિથલ સમુદ્ર કાંઠે સ્વામિનારાયણ મંદિરના પ્રમુખસ્વામી સભાગૃહમાં હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેએ મંચ સંચાલન કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને ૪૫ મીનિટના કોમન યોગ પ્રોટોકોલમાં પ્રાર્થના, યોગ આસન, પ્રાણાયામ, ધ્યાન અને સંકલ્પ લેવડાવી યોગનો મહિમા વર્ણવ્યો હતો.
લોકસભાના દંડકશ્રી અને વલસાડ- ડાંગના સંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલે જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, યોગ એ ભારતની સમગ્ર વિશ્વને દેન છે. યોગથી ભારતે દુનિયામાં ખ્યાતિ મેળવી છે. યોગ મનને શાંત અને પ્રફુલ્લિત કરવાની સાથે આપણા સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે. આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગને ભારતની સંસ્કૃતિ અને શક્તિ તરીકે વિશ્વભરમાં ઉજાગર કરી છે. તેઓ દિવસ રાત દેશ માટે સતત ઊર્જા સાથે કાર્ય કરતા રહે છે તેમની આ ઊર્જાનો સ્ત્રોત યોગ છે. તેઓ નિયમિત યોગાભ્યાસ કરે છે. યુનાઇટેડ નેશન્સમાં તેમણે તા. ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થાય તે માટે પ્રસ્તાવ રજૂ કરતા વિશ્વના દેશોએ વડાપ્રધાનશ્રીના આ પ્રસ્તાવને સહર્ષ સમર્થન આપતા આજે સમગ્ર વિશ્વ ૧૧ મો યોગ દિવસ ઉજવી રહ્યું છે.
વધુમાં સાંસદશ્રીએ “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ” થીમનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, સમગ્ર વિશ્વ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના સાથે યોગાભ્યાસ કરી રહ્યું છે. આજના ઝડપી યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતુ ધ્યાન આપવાનું ભૂલી ગયા છે. બાળકો મોબાઇલ, વિડીયો ગેમ અને સોશિયલ મીડિયા તરફ વળી રહ્યા છે. જેથી શારીરિક અને માનસિક તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે યોગના નિયમિત અભ્યાસની ખૂબ જરૂર છે. વર્તમાન સમયમાં યોગ મહત્વનો ઊર્જા સ્ત્રોત બનીને ઉભરી રહ્યો છે. આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ પણ યોગા કરે છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આપણે સંકલ્પ લઈએ કે, આજે માત્ર એક દિવસ નહિ પરંતુ આખા વર્ષ દરમિયાન નિયમિત યોગાભ્યાસ કરીશું. દરેક ઘર સુધી, દરેક વ્યક્તિ સુધી યોગ પહોંચે તે માટે સામૂહિક પ્રયાસ કરીશું.
રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી અને રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રજાજનોને શુભેચ્છા પાઠવી પ્રસંગોચિત સંબોધન કર્યું હતું જે કાર્યક્રમોનું જીવંત પ્રસારણ થતા સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર મહિપાલસિંહ ચુડાસમા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અશોક કલસરિયા, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી, જિલ્લા રમતગમત અધિકારી જી.જી.વળવી, જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી ટંડેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી કમલેશ પટેલ સહિત BAPS વિદ્યામંદિરના બાળકો, પ્રજાપતિ બ્રહ્માકુમારી, શ્રીમદ્દ રાજચંદ્ર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વલસાડ જિલ્લા મહિલા પતંજલિ અને વિવિધ સંસ્થાઓ તેમજ શાળા- કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.