વલસાડ જિલ્લા માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી એચ.ડી.તાડાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
વય નિવૃત્તિ જીવન સુખ, શાંતિ, સમૃધ્ધિ અને નિરોગીમય પસાર થાય તેવી સૌ માહિતી પરિવારે શુભેચ્છા પાઠવી
—-
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૯ જૂન
વલસાડ જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી હિતેન્દ્રભાઈ એચ. તાડા ૩૫ વર્ષની સુદીર્ઘ કારર્કિદી સફળતાપૂર્વક પૂર્ણ કરી વય નિવૃત્તિના કારણે આજે તા. ૨૯ જૂન ૨૦૨૪ના રોજ નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ શુક્રવારે વલસાડ જિલ્લા માહિતી કચેરીમાં સુરત પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે સુરત પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામકશ્રી મછારે જણાવ્યુ કે, ના.કા.ઈ. શ્રી તાડાએ ઓફિસમાં હંમેશા ટીમ વર્ક સાથે કામગીરી કરી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. તેઓનું આગામી જીવન સુખ, શાંતિ, સમૃધ્ધિ અને નિરોગીમય રહે એવી શુભેચ્છા પાઠવુ છું. વલસાડ જિલ્લા માહિતી કચેરીના ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામકશ્રી યજ્ઞેશભાઈ ગોસાઈએ વય નિવૃત્તિ જીવનની શુભકામના પાઠવી જણાવ્યું કે, નિવૃત્તિ બાદ હવે તેઓ પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે તે બદલ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા.
સુરત પ્રાદેશિક માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી ઉમેશભાઈ બાવીસાએ જણાવ્યું કે, સરકારી સેવામાંથી નિવૃત્ત થયા એટલા આજનો દિવસ ખાસ કરીને પરિવાર માટે ખુશીનો દિવસ છે. અત્યાર સુધી માહિતી ખાતાના વટવૃક્ષમાં સેવા આપી હવે પરિવારના વટવૃક્ષમાં આગામી દિવસોમાં સેવા આપશે એવી આશા રાખુ છું.
નિવૃત્ત થઈ રહેલા ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયરશ્રી એચ.ડી.તાડાએ પોતાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, ૩૫ વર્ષ સુધી સરકારી કર્મચારી તરીકેની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નિભાવી આજે મારી સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યો છુ તેનો વસવસો છે પણ હવે પરિવારને પૂરતો સમય આપી શકીશ અને સમાજ ઉપયોગી સેવાકાર્ય કરી શકીશ તેનો આનંદ પણ છે.
આ પ્રસંગે વલસાડ જિલ્લા માહિતી કચેરીના અધિક્ષક અક્ષય દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. માહિતી મદદનીશ જિજ્ઞેશ જી. સોલંકી, ઓપરેટર પ્રફૂલ પટેલ, નિવૃત્ત ઓપરેટર દિનેશ સુદાણીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શ્રી હિતેન્દ્રભાઈ તાડા તા. ૩૦ જૂન ૧૯૮૯ના રોજ માહિતી ખાતાના ગ્રામ્ય પ્રસારણ વિભાગમાં સુપરવાઈઝર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. ત્યારબાદ તા. ૮ સપ્ટેમ્બર ૧૯૯૧ના રોજ સુરત ખાતે બદલી થઈ હતી. તા. ૧૧ ઓગસ્ટ ૨૦૦૦ના રોજ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પ્રમોશન મળતા બઢતી સાથે આહવા ડાંગ બદલી થઈ હતી. ત્યારબાદ તા. ૧૬ મે ૨૦૦૩ના રોજ પોરબંદર બદલી થઈ હતી. તા. ૧૬ નવેમ્બર ૨૦૦૫ના રોજ સુરત અને ત્યારબાદ તા. ૪ જુલાઈ ૨૦૨૦ના રોજ નવસારી બદલી થઈ હતી. તા. ૧૦ માર્ચ ૨૦૨૧ ના રોજ નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી મળતા વલસાડ જિલ્લા માહિતી કચેરી ખાતે બદલી થઈ હતી અને પોતાની દીર્ઘ કારર્કિદી પૂર્ણ કરી આજે નિવૃત થયા છે.
વિદાય સમારંભમાં એચ.ડી.તાડાના ધર્મપત્ની શ્રીમતી રસીલાબેન તાડા, દીકરો જયેશ તાડા, દીકરી માનસી રાદડીયા, જમાઈ કેયુર રાદડીયા, વેવાઈ કિશોરભાઈ રાદડીયા, વેવણ મંજુબેન રાદડિયા, સાળો ભાવેશ વસોયા સહિતના પરિવારજનો અને જિલ્લા માહિતી કચેરીના ટેકનિકલ આસિસ્ટન્ટ મહેશ પટેલ, માહિતી મદદનીશ સલોની પટેલ, જુનિયર કલાર્ક સુનિતા પટેલ, ડ્રાઈવર યશ આહિર, યોગેશ પટેલ, ફોટોગ્રાફર હિમેશ પટેલ, વર્ગ ૪ના કર્મચારી સર્વ નરેશ આહિર, કાંતી પટેલ, ધર્મેશ પટેલ તેમજ સુરત પ્રાદેશિક માહિતી કચેરીના ટેકનિકલ આસિસ્ટન્ટ નરેશ પટેલ, નિવૃત્ત સહાયક માહિતી નિયામક જી.સી.પટેલ, આણંદ માહિતી કચેરીના ટેકનિકલ આસિસ્ટન્ટ સુનિલ મહેતા, નિવૃત્ત ડ્રાઈવર સર્વશ્રી ધીરૂભાઈ આહિર, બીપીન કોથાવાલા સહિતના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.