તમાકુ નિષેધ દિન 31 મે 2025 : અમદાવાદ જિલ્લામાં 339 શાળાઓ તમાકુમુક્ત જાહેર, યુવાનોમાં જાગૃતિ માટે સઘન ઝુંબેશ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ, 28 મે — 31 મે 2025 ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં યુવા પેઢી અને વિદ્યાર્થીઓમાં તમાકુથી દૂર રહેવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ 2024ના સપ્ટેમ્બર મહિના થી શરૂ થયેલી અભિયાન પ્રવૃત્તિઓ હેઠળ શાળાઓમાં જાગૃતતા કાર્યક્રમો, COTPA કાયદાનો અમલ અને સમુદાય સહભાગિતાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.
વિશેષ માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્યની 339 શાળાઓને 100 ટકા તમાકુમુક્ત જાહેર કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારમાં પણ શિક્ષણ શાખાના સહકારથી વધુ શાળાઓને તમાકુમુક્ત બનાવવાનું અભિયાન ચાલુ છે.
તમાકુના નશાની શરૂઆત સામાન્ય રીતે અડોલેસન્ટ ઉંમરે થાય છે. ડૉ. ચિંતન દેસાઈ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીના જણાવ્યા અનુસાર, “પ્રારંભિક જાગૃતિ, શિક્ષણ અને સમુદાયની સહભાગિતાથી આપણે બાળકોને આ ઘાતક લતથી બચાવી શકીએ છીએ.”
ગ્લોબલ યુથ તમાકૂ સર્વે અનુસાર ભારતમાં 13થી 15 વર્ષની ઉંમરના લગભગ 14.6 ટકા વિદ્યાર્થીઓ કોઈને કોઈ રીતે તમાકુ વાપરે છે. ઓછી ઉંમરે શરુઆત થવાથી વધુ લત લાગવાની શક્યતા વધી જાય છે અને તે લાંબા ગાળાના આરોગ્ય જોખમથી જોડાયેલી છે.
તમાકુ વિરોધી ઝુંબેશના ભાગરૂપે જૂથ ચર્ચાઓ, વર્કશોપ, શિબિરો અને રેલી જેવા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. આ ટાસ્કફોર્સ દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સ્થાયી સુધારા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
સમુદાય આધારિત આ અભિયાન યુવાન પેઢીને તમાકુના વ્યસનથી બચાવવા માટે મહત્વપૂર્ણ કડી સાબિત થશે.