GUJARATKUTCHMUNDRA

શાળાની આસપાસ તંબાકુનું વેચાણ – પોલીસ તંત્રની મીઠી નજર – શું ગંભીર બનાવો બન્યા પછી જ પગલાં લેવાશે?

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા.22 : તાજેતરમાં અમદાવાદ તથા ભુજની શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના બનાવો બનતા સમાજમાં ચિંતા ઊભી થઈ છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળે છે કે કચ્છ જિલ્લામાં અનેક શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તંબાકુ યુક્ત ગુટખા, મસાલા તેમજ કેફી દ્રવ્યોનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. નાની વયના બાળકો આ વસ્તુઓ સરળતાથી મેળવી લેતા હોવાથી તેઓ નશાની લતના શિકાર બની રહ્યા છે અને તેનાથી તેમના વર્તનમાં ઉગ્રતા તથા ઝઘડાળુ વલણ જોવા મળે છે. વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો આ પ્રવૃત્તિ સમયસર અટકાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

કાયદાકીય રીતે જોવામાં આવે તો તંબાકુ નિયંત્રણ કાયદો ૨૦૦૩ મુજબ કોઈપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તંબાકુની વસ્તુઓનું વેચાણ પ્રતિબંધિત છે. આ સિવાય ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તંબાકુ વેચવું ગુનો ગણાય છે, જેના બદલામાં દંડ અને જેલની સજા બંને થઈ શકે છે. સાથે જ કિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ મુજબ જો કોઈ વ્યક્તિ નાબાલિકને નશીલા પદાર્થો પૂરા પાડે તો સાત વર્ષ સુધીની સજા તથા દંડનો કડક પ્રાવધાન છે.

વિશ્વ તમાકુ નિર્વારણ દિવસ નિમિત્તે શાળાની આસપાસની દુકાનો પર ચકાસણી કરીને દંડ કરવામાં આવ્યો હતો, પરંતુ વર્ષ દરમિયાન આવી કાર્યવાહી નિયમિત રૂપે થતી નથી. પરિણામે ઘણા વેપારીઓ તંબાકુ ઉત્પાદનો ખુલ્લેઆમ વેચે છે અને કેટલીક જગ્યાએ તો દુકાનની બહાર પ્રદર્શન કરીને ગ્રાહકોને આકર્ષે છે. લોકોમાં ચર્ચા છે કે પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જ્યારે કાયદો સ્પષ્ટ રીતે આ બાબતોને ગુનો ગણાવે છે.

જાગૃત નાગરિકો તથા વાલીઓએ માંગણી કરી છે કે શાળાની આસપાસની દુકાનોમાં નિયમિત ચકાસણી કરવામાં આવે, કાયદાનો ભંગ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને બાળકોને નશાની લતથી બચાવવા તંત્ર સજાગ બને. સમગ્ર કચ્છમાં લોકો આ મુદ્દે ચિંતિત છે અને હવે સૌની નજર તંત્ર તરફ છે કે બાળકોના ભવિષ્યને બગડતા અટકાવવા સમયસર કડક પગલાં લેવામાં આવે.

Back to top button
error: Content is protected !!