
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટર :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા. ૨૪: મુન્દ્રા-બારોઈ નગરપાલિકા વિસ્તારના જાહેર માર્ગો પર રખડતા ઢોરો, જેમાં ગાયો, આખલાઓ અને અન્ય પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આ રખડતા પશુઓને કારણે નાનીમોટી અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે, અને કેટલાક માર્ગો પરથી પસાર થવું પણ અત્યંત જોખમભર્યું બની ગયું છે.
શાળાએ જતા વિદ્યાર્થીઓ, કામદારો, મહિલાઓ અને વૃદ્ધ નાગરિકો આ છૂટાછવાયા પશુઓના કારણે દૈનિક ધોરણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક વખત ઈજાઓ થાય છે, જ્યારે ક્યારેક જાનહાનિ જેવી દુ:ખદ ઘટનાઓ પણ બને છે. છેલ્લા દસકામાં આ પ્રકારના અકસ્માતોમાં ૧૦થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે.
બારોઈના માર્ગો ઢોરોના કબજામાં, જવાબદારી કોની?
જાહેર રસ્તાઓ પર આખલાઓ અને અન્ય ઢોરોનો ત્રાસ હવે પ્રસંગિક નહીં, પરંતુ દૈનિક સમસ્યા બની ગયો છે. નાગરિકો માટે પગપાળા ચાલવું કે વાહન ચલાવવું બંને જોખમી બન્યું છે.
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો અત્યંત પવિત્ર મનાય છે, જે શિવપૂજા, વ્રત, પરોપકાર અને કરુણાનો મહિમા ગાય છે. સ્થાનિક જૈન સમાજે પણ કતલખાના બંધ રાખવા માટે સરકાર સમક્ષ કરેલી રજૂઆત સરાહનીય છે. જો આપણા જીવનદાતા સમાન ઢોરો ભૂખ અને બેદરકારીનો ભોગ બને અને અંતે કતલખાના સુધી પહોંચે, તો તે પવિત્ર શ્રાવણ માસમાં કલંક સમાન છે.
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક સંવેદનશીલ, મૌલિક અને તાત્કાલિક નિર્ણય લેવામાં સક્ષમ નેતા તરીકે જાણીતા છે. તેમને જાહેર હિતમાં નિર્ણય લેવાનો ઊંડો અનુભવ છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય, ચૂંટાયેલા નગરસેવકો, જવાબદાર અધિકારીઓ અને શહેરી વિકાસ મંત્રાલય રખડતા પશુઓને પાંજરાપોળ અને નંદીઘર જેવી સંસ્થાઓમાં સમયસર પહોંચાડે તેવી લોકમાગ શ્રાવણ માસ પહેલાં ઊઠી છે. આ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સંસ્થાઓ શ્રાવણ માસ દરમિયાન “ગૌ રક્ષા અભિયાન” ચલાવે તેવી પણ લોકો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
કાયદાકીય જોગવાઈઓ અને તંત્રની જવાબદારી
ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩: કલમ ૨૨૩, ૨૫૫, અને ૨૫૮ હેઠળ નગરપાલિકા જાહેર રસ્તા પરથી ઢોર પકડી શકે છે અને રૂપિયા ૫૦૦ થી ૧૫૦૦ સુધીનો દંડ વસૂલ કરી શકે છે.
ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ – કલમ ૨૭૭ (જૂની આઈ.પી.સી. કલમ ૨૮૯):માલિક દ્વારા પોતાના ઢોરને જાહેર જગ્યાએ છોડી દેવા અને તેનાથી લોકોની સુરક્ષા માટે જોખમ ઊભું થાય, તો દંડ અને ૬ મહિના સુધીની કેદ થઈ શકે છે. આ માટે પશુઓના કાનમાં ચિપ્સ લગાવવામાં આવે છે, જેના દ્વારા પશુઓની માલિકી નક્કી થાય છે અને જવાબદાર પશુ માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે. પશુપાલન વિભાગ આ ચિપ્સ લગાવવા માટે મદદરૂપ થઈ શકે છે.











