
જૂનાગઢમાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીમાર્ગે આંદોલન કરીને તંત્રને પરસેવો લાવી દેવાની ઘટના સામે આવી છે. અહીં છેલ્લા ઘણાં સમયથી સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ બસના સ્ટોપેજની માગણી કરી રહ્યા હતા. તેઓ છેલ્લા ઘણાં સમયથી આ મામલે ફરિયાદ કરી રહ્યા હતા જેના કારણે તેઓ ઘણીવાર સ્કૂલે પહોંચવાનું ચૂકી જતા હતા. જોકે અનેક ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે વિદ્યાર્થીઓએ પોતે આંદોલન કરવા રસ્તે ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો.જૂનાગઢના ડુંગરપુરમાં આ વિદ્યાર્થીઓ અચાનક જ માર્ગો પર ઊતર્યા અને તેમણે લાંબો ચક્કાજામ કરીને તંત્ર વિરુદ્ધ નારેબાજી શરૂ કરી દીધી. વિદ્યાર્થીઓના આંદોલનને પગલે લગભગ પાંચ કિ.મી. લાંબો ચક્કાજામ સર્જાયો હતો. જોકે સ્થાનિકો પણ વિદ્યાર્થીઓની માગને સમર્થન કરતા અને તંત્ર વિરુદ્ધ નારેબાજી કરતા દેખાયા હતા. તંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, ‘એસટી બસ અહીં સ્ટોપ કરતી નથી. જેથી અમારે સ્કૂલ જવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યાં સુધી ડેપો મેનેજર નહીં આવે ત્યા સુધી રસ્તા રોકો આંદોલન યથાવત્ રહેશે.’ ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે ધસી આવી હતી. વિદ્યાર્થીઓના બસ રોકો આંદોલનના કારણે જૂનાગઢ- બગસરા અને વિસાવદરનો રોડ ચાર કલાક સુધી બ્લોક થઈ જતા ભારે જામ સર્જાયો હતો. જો કે, જૂનાગઢ તાલુકા પોલીસ અને LCB પોલીસની દરમિયાનગીરીથી સ્થળ પર ડેપો મેનેજર પહોંચ્યા હતા. વિધાર્થીઓની માંગણી સંતોષી લેતા અંતે આંદોલન સમેટાયું હતું અને વાહનોની અવરજવર શરૂ કરાઈ હતી
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ





