
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડામાં આદિવાસી સમાજનો રોષ : વિદ્યાર્થી પર હુમલો અને સારવારમાં બેદરકારી સામે ભિલોડા 2 દિવસ બંધ સાથે આહવાન
ભિલોડાની આર.જી. બારોટ કોલેજમાં અભ્યાસ કરતા બીજા વર્ષના વિદ્યાર્થી દિપકકુમાર સુરજીભાઈ બરંડા પર થયેલા ગંભીર હુમલા અને ત્યારબાદ સારવારમાં થયેલી બેદરકારીના મુદ્દે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં ભિલોડા ખાતે આદિવાસી સમાજ દ્વારા ૧૬ અને ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શાંતિપૂર્ણ બજાર બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, કોલેજના ટ્રસ્ટીના પુત્ર દેવાંગ બારોટ દ્વારા દિપકકુમાર પર બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે દિપકકુમારને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓને માથામાં સતત દુખાવો અને ઊભા ન રહી શકવાની તકલીફ હોવા છતાં યોગ્ય સારવાર આપવામાં આવી નથી એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આદિવાસી સમાજનો આરોપ છે કે, આરોપી રાજકીય વગ ધરાવતા હોવાના કારણે હોસ્પિટલ તંત્ર પર દબાણ લાવવામાં આવ્યું અને ઉતરાયણના દિવસે રજા હોવા છતાં તથા દર્દીના માતા-પિતાની સહી લીધા વિના ખોટી રીતે દિપકકુમારને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. બાદમાં તેમની હાલત વધુ બગડતા દિપકકુમારને “હોપ હોસ્પિટલ”, હિંમતનગરમાં દાખલ કરાવવાની ફરજ પડી હતી.આ સમગ્ર ઘટનાને લઈ આદિવાસી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. સમાજનું કહેવું છે કે, પીડિત વિદ્યાર્થીને ન્યાય મળવાને બદલે તંત્ર આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે આદિવાસી સમાજના અસ્તિત્વ અને અધિકારો સામેનો ગંભીર પ્રશ્ન છે.ન્યાયની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા ભિલોડા બજાર અને આદિવાસી વિસ્તાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે તેમ સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે. વેપારી એસોસિએશન, લારી-ગલ્લાવાળા અને નાના વેપારીઓને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.સમાજની માંગ છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પીડિત વિદ્યાર્થીને યોગ્ય ન્યાય આપવામાં આવે.





