આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવનિર્મિત કાકડવેરી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના કાકડવેરી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નવનિર્મિત ગ્રામ પંચાયત મકાનથી ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે અને ગ્રામ્ય વહીવટ વધુ સુચારુ તથા કાર્યક્ષમ બનશે. આજે લોકાર્પણ થયેલ વિકાસકાર્યો રાજ્ય સરકારની ગ્રામ્ય વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.વધુમાં મંત્રીશ્રીએ Digital India અભિયાનથી સમાજમાં આવેલ સકારાત્મક પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સરકારી સેવાઓના ડિજિટલિકરણથી પારદર્શિતા અને ઝડપ બંનેમાં વધારો થયો છે અને વિવિધ યોજનાઓના લાભો સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં Direct Benefit Transfer (DBT) માધ્યમથી જમા થતાં મધ્યસ્થી પ્રણાલીમાં ઘટાડો થયો છે. આ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય, હોસ્ટેલ, સ્કોલરશિપ અને તાલીમ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના પરિણામે આદિવાસી સમાજ શિક્ષણ અને વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આ પરિવર્તન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પબદ્ધ નેતૃત્વનું પરિણામ છે તેમજ મંત્રીશ્રીએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવા માટે ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. મંત્રીશ્રીએ તમામ ગ્રામજનોને ગામના વિકાસ કાર્યોમાં સહભાગી બની રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ , સરપંચ નરેન્દ્રભાઈ પટેલ , ખેરગામ તાલુકા વિકાસ અધિકારી વિરાણી , સ્થાનિક આગેવાનો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસકાર્યો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.




