GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની ભૂલી પડેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ

તા.૨૮/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાત્રે ૧૦ વાગે ચાલુ વરસાદે શરુ કરેલું સર્ચ ઓપરેશન વહેલી સવારે ૪ વાગ્યે પરિવારજનોના મિલાપ સાથે પૂર્ણ થયું

૧૮૧ અભયમની જિલ્લામાં ૫ ટીમો – મોટે ભાગે ઘરેલુ હિંસાના પ્રશ્નોમાં કાઉન્સેલિંગ દ્વારા સુખદ સમાધાન કરાવી આપે છે.

Rajkot: પરિવારથી વિખુટી પડેલી કિશોરી બે દિવસ સુધી અનેક ખેતર ખૂંદી વળી પણ પરિવારજનોનો ક્યાંય પતો ના લાગ્યો. પરગજુ લોકો જમવાનું આપે, કિશોરીને રાતવાસો કરાવે. આવા સમયે બારીયા ગામના જાગૃત સરપંચ મદદે આવ્યા અને કિશોરીને તેના પરિવારજનો સાથે મેળાપ કરાવવા મદદરૂપ બનતી ૧૮૧ અભયમ ટીમને બોલાવી હતી.

ત્યાર બાદ ૧૮૧ ની ટીમ સ્થળ ઉપર પહોંચી ૧૬ વર્ષીય પીડિત દિકરીને મળી આપવીતી જાણી. દીકરી પરિવારથી વિખુટી પડતા ખુબ દુઃખી હતી. તેણે રડતાં-રડતાં પોતાની આપવીતી જણાવી ત્યારે સૌ પ્રથમ પીડિત દીકરીને ટીમના કાઉન્સેલર ચૌધરી લતાબેન અને એલ.આર.ડી. રોશનીબેન હિંમત આપી દીકરીને વિશ્વાસમાં લઈ કાઉન્સેલિંગ કર્યું હતું.

દીકરીએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર મધ્યપ્રદેશથી ભાઈ, ભાભી અને એમના મમ્મી સાથે છેલ્લા ૧૦ દિવસથી ખેતરમાં કામ કરવા આવ્યા છે. બઘા વાડીમાં કામ કરવા જતા રહયા હોય, આથી તેમના ગયા પછી એ પણ બીજી વાડીએ કામ કરવા જતાં રસ્તો ભૂલી ગઈ હતી. આમને આમ બે દિવસથી આમ તેમ ભટકતી રહેતી. જે પણ જમવાનુ આપે એ જમીને ત્યાં જ રાત રોકાઈ જતી.

ગામ લોકોએ દિકરીનું નામ એડ્રેસ પુછતા જણાવ્યું હતું કે તે રસ્તો જોઈને બતાવી શકશે, પણ સરખુ એડ્રેસ અને કોની વાડીમાં કામ કરે છે, એ કંઇ ખબર નથી અને તેઓના કોઈના નંબર પણ યાદ નથી. માત્ર કોલીથડ વાડી વિસ્તારમાં રહે છે, એટલુ જ જણાવ્યું હતું.

કોલીથડ બસ સ્ટેન્ડથી રસ્તો ખબર છે તેમ કિશોરીએ કહ્યું. એટલે ૧૮૧ ની ટીમે રાત્રે ચાલુ વરસાદે કોલિથડના સરપંચને સાથે રાખી દીકરી જે રસ્તો બતાવે એ પ્રમાણે આજુબાજુ બધા વાડી વિસ્તારમાં તપાસ હાથ ધરી.

જે દરમ્યાન પુછપરછ કરતાં એક અન્ય મજુર બેને એમના પરિવારજનોના નામ પુછતા દીકરી એ એમના પિતા અને દાદાનુ નામ જણાવેલ. જે પરથી એ બેનના દૂરના સંબંધીની દીકરી હોવાનુ માલુમ પડ્યું. ત્યારબાદ એમની મદદથી તેમના પરિવારજનોનો કોન્ટેક્ટ નંબર મેળવી દીકરીના પરિવારના સભ્યોને બોલાવી ઓળખ બાદ તેમના પરિવારજનોને પરત સોંપી હતી.

કાઉન્સેલર ચૌધરી લતાબેને આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, અમે લોકોએ રાતના ૧૦ વાગ્યા આસપાસ ભુલી પડેલ દીકરીને તેમના પરિવારજનો માટે ઠેર ઠેર જઈ ગામલોકોને જગાડી પુછપરછ કરી હતી. દીકરી સતત રડતી હોઈ યોગ્ય રીતે સમજાવી પણ શકતી નહોતી. ખુબ મુશ્કેલીભર્યું આ ઓપરેશન સવારે ૪ વાગ્યા આસપાસ પૂરું થતા હાશકારો થયો.

૧૮૧ અભયમની અથાક જહેમત બાદ પીડિત દીકરીનું એના પરિવાર સાથે સુખદ મિલન થતાં પરિવારજનોમાં આનંદના અશ્રુ વહેવા લાગ્યા હતાં. દીકરીના પરિવારજનોએ ૧૮૧ ટીમ તથા ગામના સરપંચ અને સાથે અન્ય મદદ કરનાર લોકોનો આભાર માન્યો હતો.

૧૮૧ ના કો-ઓર્ડીનેટર શ્રી તુષાર બાવરવાના જણાવ્યાં મુજબ મૉટે ભાગે ઘરેલુ હિંસાના પારિવારિક પ્રશ્નોને લઈને લોકો અભયમ ટીમનો સંપર્ક સાધતા હોય છે. જે માટે રાજકોટ શહેરમાં ત્રણ ટીમ તેમજ ગ્રામ્યમાં બે ટીમો કાર્યરત છે. જેઓ મોટે ભાગે કાઉન્સેલિંગ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરે છે. મહિને સરેરાશ પાંચેક જેટલા કિસ્સામાં પરિવારથી વિખુટા પડેલા લોકોનું તેમના પરિવારજનો સાથે મિલન કરાવી આપવાના પ્રસંગો બનતા હોય છે. ત્યારે જરૂર પડ્યે લોકો ૧૮૧ નો સહારોલે, તેવી અપીલ પણ શ્રી તુષારભાઈએ કરી છે.

રાજ્ય સરકાર સામાજિક દાયિત્વ નિભાવી સમાજમાં એકતા અને સમરસતા જળવાઈ રહે તે માટે વિશેષ કામગીરી દ્વારા લોકોને મદદરૂપ બનવા કટિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!