AHAVADANGGUJARAT

Saputara: સાપુતારા ખાતે મેઘમલ્હાર પર્વનાં કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારોની બાદબાકી કરાતા સાંસદ ધવલ પટેલ લાલઘૂમ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગિરિમથક સાપુતારા ખાતે મેઘમલ્હાર પર્વનાં આયોજીત કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારોની બાદબાકી કરાતા વલસાડ-ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલે આયોજકોને આડેહાથ લીધા..

ગિરિમથક સાપુતારા ખાતે રાજ્યનાં પ્રવાસન વિભાગનાં નેજા હેઠળ સતત એક મહિનો ચાલનારા મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે વેસ્ટર્ન સંગીત પીરસતા ડાંગ વલસાડનાં યુવા સાંસદ ધવલભાઈ પટેલે આયોજકોને આડેહાથ લેતા ફફડાટ ફેલાયો છે..

મળતી માહિતી મુજબ રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત મેઘમલ્હાર પર્વ એટલે મોન્સૂન ફેસ્ટિવલમાં કરોડોનું આંધણ કરાયા બાદ પણ ઢંગ અને ધડ વગરનાં કાર્યક્રમો યોજાતા સરકારનાં કરોડો રૂપિયા એળે ગયાનું પ્રતીત થવા પામ્યુ છે.સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ પ્રારંભથી જ ચીલાચાલુ કાર્યક્રમોને પગલે વિવાદમાં જોવા મળ્યો છે.ગિરિમથક સાપુતારાનાં પ્રવાસનને વેગ મળે અને સ્થાનિક સંસ્કૃતિ દેશભરમાં પ્રખ્યાત થાય તે હેતુથી સતત એક મહિના માટે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે,પરંતુ આ ફેસ્ટિવલમાં ગુજરાત પ્રવાસન વિભાગનાં ભ્રષ્ટ અધિકારીઓ અને આયોજકોની મિલીભગતમાં સ્થાનિક ડાંગી નૃત્યની બાદબાકી કરી પશ્ચિમી સંસ્કૃતિનું ટેપ રેકોરડેટ સંગીત પીરસી સ્થાનિક કલાકારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.15મી ઓગસ્ટ નિમિતે સાપુતારા પધારેલા વલસાડ ડાંગનાં યુવા સાંસદ અને લોકસભાનાં નાયબ મુખ્ય દંડક ધવલ પટેલ અને દંડક વિજય પટેલે મોન્સૂન ફેસ્ટિવલમાં સાંજનાં કાર્યક્રમો નિહાળવા જતા ત્યા સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે ઓરકેસ્ટા મ્યુઝિક પીરસાતા નારાજ થયા હતા,જેથી 15 મી ઓગસ્ટ રજાનો દિવસ હોવા છતા ડોમમાં પ્રવાસીઓની પાંખી હાજરી જોતા ધવલભાઈ પટેલે આયોજકોને બોલાવી સ્થાનિક ડાંગી નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા કડક સૂચના આપતા આયોજકો હાફળા ફાફળા બની જવા પામ્યા હતા.આગામી શનિ રવિવારે સ્થાનીક ડાંગી નૃત્યનો કાર્યક્રમ યોજી વિડીઓ ફોટોગ્રાફ સાથે રિપોર્ટ કરવાની પણ કડક સૂચના આપતા આયોજકોનાં પગ તળે રેલો આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે સતત એક મહિનો ચાલનારા મોન્સૂન ફેસ્ટિવલમાં આયોજકો દ્વારા માત્ર શનિ રવિવારે અને જાહેર રજાના દિવસોમાં જ કાર્યક્રમો યોજવામાં આવે છે.તે પણ ઢંગધડા વગર ના હોય પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ જવા પામી છે.તેવામાં સાંસ્કૃતિક યુવા વિભાગના અધિકારીઓ સામે ચીલા ચાલુ કાર્યક્રમો યોજવા બદલ તટસ્થ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક નૃત્ય મંડળીઓ તેમજ કલાકારો માંગ કરી રહ્યા છે.ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગનાં રીઢા અને ભ્રષ્ટ અધિકારીઓ મોન્સૂન ફેસ્ટિવલનાં કાર્યક્રમો બાબતે લોકસભાનાં નાયબ મુખ્ય દંડક અને વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની સૂચનાનું પાલન કરશે કે પછી ધોળીને પી જશે તે આવનાર સમય જ બતાવશે..

Back to top button
error: Content is protected !!