GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભયના ઓથર હેઠળ જીવતી પરપ્રાંતીય યુવતી માટે નિર્ભયતાનું વચન નિભાવતી ટીમ અભયમ્

તા.૧૪/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સંભવિત હુમલાના ડરને લીધે અમરેલીથી રાજકોટ આવેલી યુવતીને અપાવ્યો સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય

Rajkot: પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં રોજીરોટી કમાવા આવેલી યુવતીને જ્યારે અમરેલીમાં પોતાની સુરક્ષા જોખમમાં લાગી, ત્યારે તે ભયભીત થઈને રાજકોટ આવી પહોંચી. આ યુવતીને ભય હતો કે એક અન્ય મહિલા તેના ભાઈ સાથે મળીને તેને મારશે. અન્ય મહિલાને શંકા હતી કે આ યુવતીનું પોતાના પતિ સાથે લગ્નેત્તર સંબંધ છે. જો કે પીડિત યુવતી આ વાત નકારી રહી હતી. પોતાના પર થનારા સંભવિત હુમલાના ડરથી યુવતીએ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

રાજકોટ શહેરમાંથી પીડિત યુવતીનો કોલ મળતા જ અભયમ્ ટીમના કાઉન્સિલરશ્રી મનીષાબેન પરમાર, પોલીસ કોન્સ્ટેબલશ્રી રોજીબાનુ અને પાયલોટશ્રી જયભાઈ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી ગયા. કાઉન્સિલરશ્રીએ યુવતી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે પીડિતા છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતમાં કેટરર્સનું કામ કરી રહી છે. એક મહિલાને શંકા છે કે યુવતીનું પોતાના પતિ સાથે અફેર છે, જેના લીધે તે મહિલા યુવતીને મારવા માંગે છે. અમરેલીમાં મારપીટ થવાના ડરથી પીડિતા રાજકોટની એક હોટેલમાં આશ્રય લઈ રહી છે. પરંતુ પીડિતાને જાણ થઈ કે પેલી મહિલા તેના ભાઈ અને જેઠ સહિતના લોકો સાથે રાજકોટ આવી છે અને હોટેલ બહાર જ ઉભી છે. જેથી, યુવતી ખૂબ જ ભયભીત થઈ ગઈ હતી. યુવતીએ સ્પષ્ટતા કરી કે અન્ય મહિલાના પતિ સાથે કોઈ અફેર નથી અને કોઈએ તે મહિલાની કાન ભંભેરણી કરી છે. સમગ્ર બાબત જાણીને અભયમ્ ટીમે યુવતીનું કાઉન્સિલિંગ કર્યું.

૧૮૧ હેલ્પલાઇનની ટીમે હોટેલ બહાર ઉભેલી મહિલાનું પણ કાઉન્સિલિંગ કર્યું. ત્યારે જાણવા મળ્યું કે આ મહિલાને લોકો દ્વારા અફેરની વાત કહેવામાં આવી હતી અને તે ફક્ત યુવતી સાથે સ્પષ્ટતા કરવા જ રાજકોટ આવી હતી. અભયમ્ ટીમે આ મહિલાના પતિ સાથે પણ ફોન પર વાત કરી, જેણે અફેરની વાતને રદિયો આપ્યો અને યુવતી સાથે કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું.

તમામ પક્ષોની વાત સાંભળીને, અભયમ્ ટીમે પીડિત યુવતીને કાનૂની માર્ગદર્શન આપ્યું. જો કે યુવતીને હજુ પણ હોટેલમાં રોકાવામાં ડર લાગતો હતો કે કદાચ તે મહિલા અને તેના સંબંધીઓ પોતાને માર મારશે. યુવતીને સુરક્ષિત આશ્રયની જરૂર હોવાથી ટીમે તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવ્યો. આ તકે યુવતીએ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આમ, ગુજરાત સરકારની ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનની ટીમે પરપ્રાંતથી રોજગારી માટે આવેલી એક ભયભીત યુવતીને સમયસર મદદ કરીને સુરક્ષિત આશ્રય પૂરો પાડીને નિર્ભયતાનું વચન નિભાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!