
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
🌟 મુંદરામાં માનવ મહેરામણ : પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા.ના વ્યાખ્યાનમાં જૈન-જૈનેતર ભાવિકોનો અભૂતપૂર્વ ઉમંગ!
મુંદરા, તા. ૯ : મુંદરા ખાતેના શ્રી તપગચ્છ જૈન સંઘના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં આજે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબના વ્યાખ્યાનનો અનેરો ધાર્મિક લાભ લેવા જૈન-જૈનેતર સમાજનો વિશાળ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
આરાધના ભવન ખાતે બરાબર સવારના ૦૭:૩૦ વાગે પરિસ્થિતિ એવી હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. શ્રી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, માજી પ્રમુખ વિનોદભાઈ ફોફડીયા અને અરિહંત ટ્રેડિંગવાળા ભોગીભાઈ મહેતાએ આ માહોલ વિશે જણાવ્યું હતું કે જાણે ૧૩ વર્ષ અગાઉ મહાત્માનું ચાતુર્માસ હોય અથવા પર્વાધિરાજ પર્યુષણ પર્વ હોય તેવું વાતાવરણ આજે જોવા મળ્યું હતું.
મહારાજ સાહેબે પોતાની સાદી અને સરળ ભાષામાં વ્યાખ્યાન આપતા ભાવિકોને એક કલાક સુધી જકડી રાખ્યા હતા. તેમણે દ્રષ્ટાંતો સાથે સમજાવ્યું હતું કે “ગાયોને ચારો, પક્ષીને દાણા અને કૂતરાને રોટલા આપીને પુણ્યનું ભાથું બાંધો.” તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે “આવતા ભવનો વિચાર કરો. રૂપિયા પાછળ ગાંડાઘેલા ન બનો. રૂપિયા ભેગા નહીં આવે, માત્ર પુણ્ય જ સાથે આવશે.”
આ પ્રસંગે તેમણે પાંજરાપોળના પ્રમુખ નવીનભાઈ મહેતાની ગાયો માટેની સરાહનીય કામગીરી તથા વિહાર ગ્રુપની ભાવનાની પણ અનુમોદના કરી હતી.
અંતમાં મુંદરા તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાએ યાદીમાં જણાવ્યું હતું કે, ભદ્રેશ્વર ખાતે આગામી ૧૩ ડિસેમ્બરથી શરૂ થનારી અઠમ તપની તપસ્યામાં ૩૦૦થી વધારે આરાધકો જોડાઈ ચૂક્યા છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



