GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલમાં ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લાના ગોધરા સહિતના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. 40 થી 41 ડિગ્રી જેટલા કાળઝાળ ઉનાળાના તાપમાન વચ્ચે અચાનક ત્રાટકેલા આ વાવાઝોડા અને વરસાદના કારણે અનેક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોના તૈયાર પાકનો સોથ વળી જતાં તેમને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી પરંતુ અચાનક આવેલા આ વરસાદથી સમગ્ર જનજીવન પ્રભાવિત થયું છે.

 

આ કમોસમી વાવાઝોડાએ ગોધરા શહેરમાં પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલા સ્વિમિંગ પુલની પાછળના ભાગે એક તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ પડવાના કારણે પાછળની કોતર સાઈડની આખી દીવાલ તૂટી પડતા માળખાગત મોટું નુકસાન નોંધાયું છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવનના કારણે અનેક જગ્યાએ નુકસાનીના અને વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો મળી રહ્યા છે જેના પરિણામે સામાન્ય લોકોના ઘરોને પણ અસર પહોંચી છે.

 

દિન-પ્રતિદિન વધી રહેલા ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઋતુચક્રમાં આવેલા આ મોટા ફેરફારથી સૌથી મોટો ફટકો જગતના તાતને પડ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સમગ્ર ગુજરાતમાં છવાયેલા વાદળછાયા વાતાવરણથી ખેડૂતો પહેલેથી જ ચિંતામાં મુકાયા હતા. હાલમાં ખેતરોમાં ઉભેલો પાક અને ખાસ કરીને લણણી માટે તૈયાર થયેલા પાક પર અચાનક કમોસમી વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એક તરફ અસહ્ય ગરમી વચ્ચે વરસેલા વરસાદથી લોકોને ઠંડકની રાહત ચોક્કસ અનુભવાઈ છે, પરંતુ ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારો માટે આ કમોસમી વરસાદ એક મોટી મુસીબત બનીને વરસ્યો છે.

Back to top button
error: Content is protected !!