Upleta: ઉપલેટાના વડાળી ગામે ૪૦ વીઘામાં ‘સારથિ પ્રાકૃતિક ફાર્મ’ માં ડ્રેગન ફળ અને બ્રોકલી સહીત શાકભાજીની કરાય છે પ્રાકૃતિક ખેતી

તા.૧૭/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Upleta: આપણે તો ચોખ્ખું ખાવું છે અને લોકોને ચોખ્ખું ખવડાવવું છે’ ના ઉદેશ સાથે પ્રાકૃતિક ખેતી શરુ કરનારા ઉપલેટા તાલુકાના વડાળી ગામના નીતિનભાઈ અઘેરા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રોલ મોડેલ બન્યા છે.
વડાળી ખાતે નીતિનભાઈએ ૪૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી વૈજ્ઞાનિક ઢબે શરુ કરેલી. જેમાં ડ્રેગન ફ્રૂટ અને તરબૂચ સમાંતરે વાવ્યા છે. આજના સમયની માંગ મુજબ હવે બ્રોકલીની ખેતી પણ તેઓએ શરુ કરી છે. આ સાથે ફાર્મમાં મોટા ભાગના વિસ્તારમાં તેમણે લીંબુનું વાવેતર કરેલું છે. રોજબરોજના ભોજનમાં ઉપયોગી રાસાયણિક ખાતર વગરના શાકભાજી મળી રહે તે માટે કોબી,ગુવાર, ભીંડો, મરચી, ટમેટાની ખેતી પણ કરે છે.
ખેતીની સાફલ્ય ગાથા વધુને વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે તેઓ ખેડૂતો પરિવારને વાડીની મુલાકાત લેવા અવારનાર પ્રેરે છે. હાલમાં તેઓના ફાર્મ પર ૩૦૦ થી વધુ ખેડૂત પરિવારોએ મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની માવજત અંગે સમજ કેળવી હતી. આગામી દિવસોમાં નાગરિકોને પ્રાકૃતિક ખેત પેદાશ મળી રહે, તે માટે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
નીતિનભાઈ જણાવે છે કે, ગત રોજ અમારે ત્યાં નર્મદા મૈયા આરતી પૂજન અને અગ્નિહોત્ર યજ્ઞનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. આમંત્રિત મહેમાનોને પ્રાકૃતિક ખેતીમાંથી તૈયાર કરાયેલ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો-મહંતો, રાવકીનાં પ્રગતિશીલ ખેડૂતશ્રી કે.કે. જાડેજા સહીત આશરે ૩૦૦ જેટલા ખેડૂત પરિવારો સહભાગી બન્યા હતાં.
પ્રાકૃતિક ખેતીમાં મદદરૂપ બનવા શ્રી નીતિનભાઈ ને અગ્રણી ખેડૂતો શ્રી વી.ડી. કાલરીયા તેમજ શ્રી રાજુ પટોળીયાનો સહયોગ મળ્યો છે. નીતિનભાઈ અને સાથી ખેડૂત મિત્રોએ લોકોને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ મળી રહે તે માટે ઉપલેટા ખાતે મોલ પણ બનાવ્યો છે. અહીં લોકો રોજબરોજની ખાદ્ય સામગ્રી ખરીદી શકે છે.
વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી આત્મા પ્રોજેક્ટના સહયોગથી ગામેગામ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે આ મહાયજ્ઞમાં સહભાગી થવા શ્રી નીતિનભાઈ સૌ ખેડૂત મિત્રોને જણાવે છે.







