
ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સેગવા ગામે ભાથીજી મહારાજના મંદિરે શિનોર તાલુકાના આદિવાસી સમાજના યુવા આગેવાન અલ્પેશ વસાવાની આગેવાનીમાં યોજાયેલી આયોજન બેઠકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ભવ્ય સ્વરૂપ આપવા માટે વિવિધ જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં સમાજના આગેવાનો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આગામી 9 ઓગસ્ટના રોજ અલ્પેશ વસાવાની આગેવાનીમાં ભવ્ય બાઈક અને વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સેગવા ગામેથી પ્રસ્થાન કરશે.
રેલી સેગવાથી નીકળી માલપુર, અવાખલ, સાધલી, મીંઢોળ, સુરાશામળ, શિનોર, મોટા ફોફળીયા અને સિમળી સહિતના ગામોમાંથી પસાર થઈ ફરી સેગવા ગામે પરત ફરશે. રેલી દરમિયાન વિશ્વ આદિવાસી દિવસનો સંદેશ અને આદિવાસી સમાજની એકતા તથા સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સેગવા ગામે સતત બીજા વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને સમગ્ર શિનોર તાલુકાના આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં સમાજજનોને જોડાવા માટે સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે.




