VADODARAVADODARA CITY / TALUKO

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે પહેલી મોટી કાર્યવાહી, પ્રાથમિક તપાસના આધારે 4 અધિકારીઓ સસ્પેન્ડ

વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટતાં થયેલી દુર્ઘટના મામલે રાજ્ય સરકાર દ્વારા પહેલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા-આણંદને જોડતાં મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. ત્યારબાદ આજે (10 જુલાઈ, 2025) ગંભીરા બ્રિજ મામલે જવાબદાર 4 અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

ગઈકાલે આ દુર્ઘટનાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું. મુખ્યમંત્રીએ નિષ્ણાતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.

નિષ્ણાતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલા અધિકારીઓ કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ. સી. પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર આર. ટી. પટેલ અને મદદનીશ ઇજનેર જે. વી. શાહને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતાં જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે.

Back to top button
error: Content is protected !!