
ફૈઝ ખત્રી…શિનોર
ઓપરેશન પરાક્રમ હેઠળ શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં ખુનની કોશીષનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલે શિનોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૯(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો..
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીના પુત્ર તથા ઇજાગ્રસ્ત વિજયભાઇ બાલુભાઇ પાટણવાડીયા તા. ૧૪/૦૧/૨૦૨૬ના રોજ રાત્રે પોતાના રૂમમાં સૂતેલા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેમને મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી આરોપી ફરાર થયો હતો.
આ ગંભીર ગુનાની ગંભીરતા સમજી શ્રી એ.એમ. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, ડભોઇ ડિવિઝન તથા શ્રી મિલન મોદી, નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ, વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ શિનોર પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી.
પુછપરછ દરમિયાન ખુલ્યું કે આરોપી મહેશભાઇ ઉર્ફે જીગો શાંતિલાલ પાટણવાડીયાએ ઇજાગ્રસ્તની પત્ની અંગે શંકા રાખતા ગુસ્સામાં આ હુમલો કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈ ગુનામાં વપરાયેલ લોખંડની પરાઈ (કોસ) કબ્જે કરી છે.
નજીકના મિત્ર દ્વારા જ કરવામાં આવેલ આ જીવલેણ હુમલાનો કેસ સફળતાપૂર્વક ઉકેલી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.



