
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર અડચણરૂપ વૃક્ષો અને માટી દુર કરી વહાનવ્યવહાર માટે રસ્તો ખુલ્લો કરાયો.

ડાંગ:તા.૨૭,રાજ્યના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસો થી સતત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ ના કારણે અવરોધક રોડ વહાનવ્યવહાર માટે મુશ્કેલીઓ ઉભી ના કરે તે માટે ડાંગ જિલ્લાનું માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રાઉન્ડ ધ ક્લોક સતત કામગીરી કરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી કર્મચારીઓ સતત ડિઝાસ્ટર પરિસ્થિતિને પહોંચી વળવા કાર્યરત છે.
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદના કારણે આહવા-વઘઇ રોડ તેમજ બારીપાડા-માનમોડી-સુરગાણા રોડ ઉપર વૃક્ષો ધસી આવ્યાં હતાં. તેમજ ભેખડોની માટી પણ ધસી આવી હતી. જે ટ્રાફિક માટે અવરોધક હોઇ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી વૃક્ષો તેમજ માટી દુર કરી વહાનવ્યવહાર માટે રસ્તો ખુલ્લો કરાયો હતો.
ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણાએ જણાવ્યું છે કે, ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇ જોખમી સ્થળો તેમજ મુખ્યમાર્ગ ઉપર આડેધડ વાહનો પાર્ક કરવા નહી, જળ ધોધ નજીક જઇને સેલ્ફિ લેવું નહી તેમજ અન્ય લોકોને મુશ્કેલીઓ ના પડે તે માટે કોઇ અણગમતી પ્રવૃતિઓ નહી કરવા લોકોને અનુરોધ કર્યો હતો. સાથે જ જિલ્લાના લોકો તેમજ પ્રવાસીઓને સુગમ રસ્તાઓ મળી રહે તેમજ અવરોધક ટ્રાફિક સર્જાય નહી, તે માટે તેઓની ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામાં આવી છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.




