NATIONAL

એક જ દિવસમાં એર ઈન્ડિયાની સાત ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી

દેશમાં આજે એક જ દિવસમાં એર ઈન્ડિયાની સાત ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. ત્યારે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (DGCA) એરલાઈન્સના અધિકારીઓની તાત્કાલીક બેઠક બોલાવી હોવાની માહિતી મળી છે. વાસ્તવમાં અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ રોજબરોજ ફ્લાઈટમાં ખામીના સમાચાર મળી રહ્યા છે. આજે એર ઈન્ડિયાની કુલ સાત ફ્લાઈટ ટેક્નિકલ તથા અન્ય કારણોસર ઉડાન ભરી શકી ન હતી. એર ઈન્ડિયાની દિલ્હીથી પેરિસ, લંડનથી અમૃતસર, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ અને અમદાવાદથી લંડન આવતી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા, બેંગ્લુરૂથી લંડન જતી ફ્લાઈટ પણ રદ થઈ હતી. મોટાભાગની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. રદ થયેલી ફ્લાઈટ્સમાં છ બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હતી. આ મોડલ જ અમદાવાદમાં ક્રેશ થયુ હતું. આ તમામ ઘટનાક્રમ વચ્ચે DGCAએ એર ઈન્ડિયાના અધિકારીઓની તાત્કાલીક બેઠક બોલાવી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ ડીજીસીએને ટાંકીને કહ્યું છે કે, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના ડિરેક્ટર જનરલે એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવી છે. DGCAના ડિરેક્ટર જનરલ ફૈઝ અહેમદ કિદવઈ આજે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં અમદાવાદમાં ક્રેશ થયેલ એર ઈન્ડિયાના પ્લેન અંગે કે પછી અનેક ફ્લાઈટો રદ થવા અંગે ચર્ચા કરાશે, તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. આજે સાત ફ્લાઈટો કેન્સલ થયા બાદ અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

આ સાત ફ્લાઇટ્સ કેન્સલ થઈ

  • AI915 – દિલ્હીથી દુબઈ – B788 ડ્રીમલાઇનર
  • AI153 – દિલ્હીથી વિયેના – B788 ડ્રીમલાઇનર
  • AI143 – દિલ્હીથી પેરિસ – B788 ડ્રીમલાઇનર
  • AI159 – અમદાવાદથી લંડન – B788 ડ્રીમલાઇનર
  • AI170 – લંડનથી અમૃતસર – B788 ડ્રીમલાઇનર
  • AI133 – બેંગલુરુથી લંડન – B788 ડ્રીમલાઇનર
  • AI179 – મુંબઈથી સાન ફ્રાન્સિસ્કો – B777 ડ્રીમલાઇનર

    ફ્લાઈટો કેન્સલ થયા બાદ એરપોર્ટ પર ભારે હંગામો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓએ આક્ષેપ કર્યો છે કે, અમને ફ્લાઈટ કેન્સલ થવાની કોઈ સૂચના અપાઈ નથી. બીજીતરફ ડીજીસીએએ 13 જૂને આપેલા આદેશના કારણે ફ્લાઈટો કેન્સલ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. ડીજીસીએનો આ આદેશ એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર ફ્લીટ પર લાગુ છે. જોકે એરલાઈન્સ તરફથી આ અંગે કોઈપણ નિવેદન જાહેર કરાયું નથી અને ફ્લાઈટ કેન્સલ કરવાનું કારણ પણ જાહેર કર્યું નથી. જોકે એરલાઈન્સે કહ્યું છે કે, ‘અમારા મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને તેમને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને ટિકિટ રદ કરવા પર અથવા મફત વળતર પર ટિકિટની રકમનું સંપૂર્ણ રિફંડ પણ આપી રહ્યા છીએ.’

Back to top button
error: Content is protected !!