VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લામાં ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે યોગ્ય પગલા લેવા ખેડૂતો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું હિતાવહ ગણાશે મગ, મઠ, અડદ જેવાં પાકોમાં મેક્રોફેમિના બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ધાન્ય પાકોની સાથે ફેરબદલી કરવી

વલસાડ જિલ્લા ખેતીવાડી ખાતા દ્વારા ખરીફ કઠોળ (મગ, મઠ, અડદ, ચોળા) પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે નીચે મુજબ પગલાં લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ પાઠવવામાં આવ્યો છે.

રોગ પ્રતિકારક જાતો જેવી કે, મગની ગુજરાત આણંદ મગ-૫, ગુજરાત આણંદ મગ-૬, ગુજરાત આણંદ મગ-૭ તેમજ અડદની ટી-૯ ની વાવણી કરવી. રોગમુક્ત છોડ પરથી એકઠા કરેલા દાણાનો બિયારણ તરીકે ઉપયોગ કરવો. વિષાણુંથી થતી પાનની કરચલી રોગના નિયંત્રણ માટે બિયારણને વાવતા પહેલાં ૫૫ સેં ગ્રે. ગરમ પાણીમાં 30 મીનીટ રાખવા ત્યારબાદ ઉપયોગમાં લેવા. મગ, મઠ, અડદ જેવાં પાકોમાં મેક્રોફેમિના બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ધાન્ય પાકોની સાથે ફેરબદલી કરવી. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું. બીજને વાવતા પહેલાં થાયરમ, કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફૂગનાશકોનો ૨ થી ૩ ગ્રામ/કિલો બીજ દીઠ પટ આપીને વાવણી કરવી. જીવાણુંથી થતા પાનના ટપકાનો રોગના નિયંત્રણ માટે બીજને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૨૫૦ પીપીએમ દ્રાવણમાં ૧૫ મીનીટ બોળી રાખીને ત્યારબાદ વાવણી કરવી. મોલો, સફેદમાખી, તડતડીયાં અને થ્રિપ્સના નિયંત્રણ માટે બીજને જંતુનાશક દવાઓ જેવી કે, ઇમિડાક્લોપ્રિડ ૭૦ ડબ્લ્યુએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ ૬૦૦ એફએસ ૧૦ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબ્લ્યુએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મિ.લી પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવું. થડમાખી જીવાતનો વધુ ઉપદ્રવ રહેતો હોય તેવા વિસ્તારોમાં નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૩ સીજી 30 કિ.ગ્રા./ હે પ્રમાણે જમીનમાં આપવું. વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

તસ્વીર. પ્રતિકાત્મક

Back to top button
error: Content is protected !!