GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં ચોમાસામાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આરોગ્યની ૭૫૩ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે

તા.૯/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

૧૩ લાખની વસતીમાં ૭૮ હજારથી વધુ ક્લોરીન ગોળીવિતરણ, ૨૪૦૦થી વધુ ઓ.આર.એસ. પેકેટ વિતરણ

જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ૫૪ સગર્ભાઓને સલામત રીતે હોસ્પિટલ રિફર કરાઈ હતી

Rajkot: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે પીવાનું પાણી દૂષિત થવાથી, પાણીજન્ય રોગચાળા થવાની સંભાવના રહેલી છે. પરંતુ, સવેળાની પૂર્વ તૈયારી અને આગોતરા આયોજનથી પાણીજન્ય રોગચાળો અટકાવી શકાય છે. રાજકોટ જિલ્લામાં પાણીજન્ય રોગચાળા અટકાયત માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી, જિલ્‍લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શનમાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી અને ટીમ દ્વારા સઘન ઝુંબેશ ચાલી રહી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. સિંઘની યાદીમાં જણાવ્યા મુજબ, ગત ૨૯મી ઓગસ્ટથી જ રાજકોટ જિલ્લાના ૫૯૫ ગામોમાં આરોગ્યની ૭૫૩ ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં આજદિન સુધીમાં ૧૩,૦૨,૪૯૧ વસ્તીમાં ૭૮૯૧૧ વસ્તીમાં ક્લોરીનની ગોળીઓનું તથા ૨૪૮૯ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ડસ્ટીંગ કામગીરી, ફોગીંગ કામગીરી, સ્વચ્છતા કામગીરી તથા પાણીનો આર.સી. ટેસ્ટ કરવામાં આવ્યો છે.

સર્વે દરમ્યાન સામાન્ય ઝાડાના ૪૯૩ કેસ, ૩૩ ઝાડા ઉલ્ટીના કેસો તથા શરદી- ખાસીના ૧૯૭૪ કેસો તથા તાવના ૧૪૫૮ કેસોમાં સારવાર આપવામાં આવી છે. ભારે વરસાદથી અસર પામેલા વિસ્તારમાંથી કુલ ૫૪ સગર્ભા માતાઓને હોસ્પિટલે સલામત રીફર કરવામાં આવી છે. આ કામગીરી જિલ્લામાં કુલ ૭૫૩ આરોગ્ય ટીમો દ્વારા કરવામાં આવી રહી છે.

ઉપરાંત કુલ ૩૯ શેલ્ટર હોમમાં રહેતા ૧૦૮૫ લાભર્થીઓમાંથી ૬૪૫ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જેમાં કુલ ૧૪ સગર્ભા માતાઓને જરૂરી આરોગ્યની સેવાઓ પુરી પાડવામાં આવી છે.

પાણીજન્ય રોગચાળો રોકવા કેવી સાવધાની રાખશો?

આ સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વરસાદી રોગચાળો અટકાવવા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે,

(૧) પીવાના પાણીને ઉપયોગમાં લેતા પહેલા ૨૦ મિનિટ સુધી ઉકાળવું. ત્યારબાદ જ પીવું. અથવા ક્લોરીનેશન વાળું પાણી જ પીવું

(ર) પીવાના ૨૦ લીટર પાણીમાં એક ક્લોરિનની ટીકડી ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાંખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું.

(૩) ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહી, કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો.

(૪) જાહેર જગ્યાઓ જેમકે હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તાની લારીઓમાં વેચાતા વાસી અખાદ્ય પદાર્થ કે ખુલ્લામાં વેચાતા કાપેલા, પાકી ગયેલા ફળો ખાવાનું ટાળો.

(૫) ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખવો. તથા દૂધ ઉકાળીને જ પીવું.

(૬) શાળા કોલેજ જેવા જાહેર સંસ્થાન અને ગ્રામ પંચાયતોના પાણી સંગ્રહસ્થાન(ટાંકી)ની નિયમિત સફાઈ થાય તેની તકેદારી રાખવી.

(૭) મલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનીયા જેવા રોગોથી બચવા મચ્છરનો ઉપદ્રવ અટકાવવો.

(૯) મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ઘરની આજુ બાજુ નાના ખાડા, ખાબોચિયામાં પાણી ભરાયા હોય તેને વહેતું કરો, તથા ઘરમાં જૂના ભંગાર, ટાંકી, ટાયર, તૂટેલા માટલાં, તથા જૂના પાત્રોમાં પાણી ન ભરવા દો તુર્તજ નિકાલ કરો.

(૧૦) આપના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો નોંધાય તો તુરંત જ સ્થાનિક આરોગ્ય કાર્યકરને જાણ કરો. જેથી ત્વરિત રોગ અટકાયતી પગલાં લઈ શકાય.

Back to top button
error: Content is protected !!