VALSAD: વલસાડ ખાતે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં આરપીએફનો ૪૧મો સ્થાપના દિવસ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે આરપીએફનો ૪૧ મો સ્થાપના દિવસ ઉજવાયો મંત્રીશ્રીએ શાનદાર પરેડનું નિરિક્ષણ કરી પ્રશંસનીય સેવા આપનાર ૪૧ જવાનોને પુરસ્કાર એનાયત કર્યા કેન્દ્રિય રેલવે મંત્રીશ્રીના વકવ્યના અંશો
રોજના ૨ કરોડ યાત્રી રેલવેમાં મુસાફરી કરે છે તેમની સુરક્ષા અને સલામતીની જવાબદારી આરપીએફ સુપેરે નિભાવી રહી છે દિવાળી અને છઠ્ઠના તહેવારે ૧૨ હજાર સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે, આ ત્યારે જ શક્ય બન્યું કે, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કર્યો ફ્રેઈટ કોરીડોરમાં અંદાજે ૬૦૦૦૦ કિમી આસપાસનું ઈલેકટ્રીફિકેશન થયું, જે વિશ્વના દેશો માટે આશ્ર્ચયચકિત કામગીરી છે બુલેટ ટ્રેનનું કામ સ્પીડમાં ચાલી રહ્યું છે, પ્રથમ સેશનમાં બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે ચાલુ થશે તાજેતરમાં જ ૩૫૦૦ જનરલ કોચ ટ્રેનમાં જોડી દીધા છે અને વધુ ૭૦૦૦ જનરલ કોચનું પ્રોડક્શન ચાલી રહ્યુ છે પહેલા ચાર-પાંચ વર્ષે ભરતી થતી પરંતુ હવે દર વર્ષે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી કરાશે જેનાથી આરપીએફનું મેનેજમેન્ટ વધુ સુદૃઢ બનશે
VALSAD :–કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવના મુખ્ય મહેમાન પદે ગુજરાતમાં પ્રથમવાર વલસાડ ખાતે RPFના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF) નો ૪૧મો ભવ્ય સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રિય રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે પોતાના પ્રારંભિક ઉદબોધનમાં જન જનની સેવા કરવાની ભાવના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પાસેથી મળી હોવાનું જણાવી કહ્યું કે, આજે આરપીએફની સ્થાપનાની ઉજવણીનો ખૂબ જ ખુશીનો દિવસ છે. આરપીએફના જવાનોએ ગુમ થયેલા અનેક બાળકોનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે, રોજના ૨ કરોડ યાત્રી રેલવેમાં મુસાફરી કરે છે તેમની સુરક્ષા અને સલામતીની જવાબદારી સુપેરે નિભાવે છે. આરપીએફ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય છે. મહાકુંભમાં પણ ખૂબ જ સરાહનીય કાર્ય કર્યુ હતુ. જે ખરેખર અભિનંદનને પાત્ર છે.
આજે રેલવે ટ્રાન્સફોર્મેશનના દૌરમાંથી પસાર થઈ રહી હોવાનું જણાવી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ટેકનોલોજીનો ઉપયોગ, નવી ડિઝાઈનની ટ્રેન, લોકોમોટીવ અને નવી ટેકનોલોજી કવચ પર દિવસ રાત કામ થઈ રહ્યુ છે. જેનો લાભ પેસેન્જરોને મળી રહ્યો છે. આ પરિવર્તનનો યુગ છે. જેમાં મહત્વના કામોનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, છેલ્લા ૧૧ વર્ષમાં ૩૫૦૦૦ કિમીની રેલવે ટ્રેક નાંખી છે જે ઐતિહાસિક કામગીરી છે. જેના કારણે વધુ ટ્રેન ચલાવી શક્યા છે. દિવાળી અને છઠ્ઠના તહેવારે ૧૨ હજાર સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે. આ ત્યારે જ શક્ય બન્યુ છે કે, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો છે. આવનારા સમયને ધ્યાનમાં રાખી નવી પધ્ધતિથી ૧૩૦૦ સ્ટેશનનું પુનઃ નિર્માણ કરી રહ્યા છે જેમાંથી ૧૧૦ સ્ટેશનનું લોકાર્પણ કરી દીધુ છે. ફ્રેઈટ કોરીડોરમાં ઈલેકટ્રીફીકેશનનું કામ લગભગ પૂર્ણ થયુ છે. અંદાજે ૬૦૦૦૦ કિમી આસપાસનું ઈલેકટ્રીફિકેશન થયુ છે. જે વિશ્વના દેશો માટે આશ્ર્ચયચકિત કામગીરી છે. સમૃધ્ધ દેશો પણ આટલી સ્પીડમાં કામ કરી શકયા નથી.
બુલેટ ટ્રેનનું કામ તેજીથી ચાલી રહ્યુ હોવાનું મંત્રીશ્રીએ જણાવી વધુમાં કહ્યું કે, પ્રથમ સેકશનમાં બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે ચાલુ થશે. આજે ૧૫૦ વંદે ભારત, અમૃત ભારતની ૩૦ સર્વિસ, નમો ભારતની પ્રથમ બે સેવા ચાલુ કરી માસ પ્રોડક્શન ચાલુ થશે. નવી જનરેશનના કોચ બની રહ્યા છે. દર વર્ષે નવા કોચ પ્રોડકશન થઈ રહ્યા છે. તાજેતરમાં જ ૩૫૦૦ જનરલ કોચ ટ્રેનમાં જોડી દીધા છે અને વધુ ૭૦૦૦ જનરલ કોચનું પ્રોડક્શન ચાલી રહ્યુ છે. સમાજના દરેક વર્ગમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને કેન્દ્રમાં રાખી કામ કરી રહ્યા છે. બે મોટા કોરીડોર દિલ્હીથી હાવડા (કોલકાતા) અને દિલ્હીથી મુંબઈ કોરીડોરમાં એડવાન્સ સ્ટેજ પર કામ ચાલી રહ્યુ છે. આરપીએફનું આધુનિકરણ અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, આજના ઝડપી સમયમાં ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થઈ રહ્યો છે. આરપીએફના જવાનોને વીએચએફ સેટ અપાશે. જેનાથી ફાયદો થશે. ડેટા બેઝ એપ્લીકેશન માટે રૂ. ૧૪ કરોડ મંજૂર કર્યા છે. ટ્રેનિંગ સેન્ટરમાં એડવાન્સ ડિજિટલ અને ડ્રોનની ટ્રેનિંગ માટે રૂ. ૨૧ કરોડના ખર્ચે દરેક જગ્યાએ લેબોરેટરીની સ્થાપના કરાશે. એઆઈ, સીસીટીવી કેમેરા, ડીજિટલ લોકિંગ સિસ્ટમ, ડિજિટલ ટ્રેસિંગ અને ટ્રેકિંગ સિસ્ટમની દિશામાં કામ કરવા માટે મંત્રીશ્રીએ પ્રોત્સાહન આપી નવા રચનાત્મક કાર્યો કરવા માટે પ્રેરણા આપી હતી.
આરપીએફમાં ખાલી જગ્યા ભરવા મુદ્દે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગત વર્ષે ૪૫૨ સબ ઈન્સ્પેકટરોની ભરતી થઈ અને હવે ૪૨૦૮ કોન્સ્ટેબલોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. પહેલા ચાર પાંચ વર્ષે ભરતી થતી હતી પરંતુ હવે દર વર્ષે સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ભરતી કરાશે. જેનાથી ફોર્સનું મેનેજમેન્ટ વધુ સુદૃઢ બનશે. જે પણ વચનો આપ્યા છે તે તમામ પૂર્ણ કરાશે. પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે કે, ગરીબ, મધ્યમ વર્ગ, યુવાનો, ખેડૂતો, નોકરીયાતો અને મજદૂરોની સેવા કરવાનો. જે લક્ષ્યને પૂર્ણ કરવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે.
આરપીએફના મેદાન પર જનમેદની સામેથી રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF) પ્લાટૂન RPF મહિલા પ્લાટૂન, કમાન્ડો પ્લાટૂન, ડોગ સ્ક્વોડ, સેગવે પ્લાટૂન અને RPF બેન્ડના જવાનોએ શિસ્તબધ્ધ શાનદાર પરેડ રજૂ કરી હતી જેને નિહાળી સૌ એ ગર્વભેર સલામી આપી હતી. પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રશંસનીય સેવા બદલ પુરસ્કાર વિજેતાઓને મંત્રીશ્રીના હસ્તે પ્રતિષ્ઠિત પુરસ્કારો અર્પણ કરાયા હતા. રેલવેના લાખો મુસાફરો અને રેલ્વે સંપત્તિનું રક્ષણ કરનારા RPF કર્મચારીઓના અતૂટ સમર્પણ, બહાદુરી અને બલિદાનની સ્મૃતિરૂપે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને જીવન બચાવ મેડલ જેવા કુલ ૪૧ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
RPFના સ્થાપના દિવસની ઉજવણીના સમારોહમાં લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, વલસાડ, કપરાડા અને ઉમરગામના ધારાસભ્ય સર્વશ્રી ભરતભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, રમણલાલ પાટકર, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તા, આરપીએફ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક અને રેલવે બોર્ડના અધિકારીઓ સહિત ભારતીય રેલવેના તમામ RPF અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રેલવે સુરક્ષા દળના મહાનિર્દેશક સોનાલી મિશ્રાએ સ્વાગત પ્રવચન કરી આરપીએફની કામગીરી અને ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેની માહિતી આપી હતી. પશ્ચિમ રેલવેના આરપીએફના ઈન્સ્પેકટર જનરલ -વ- પ્રિન્સીપાલ ચીફ સિક્યુરિટી કમિશ્નરશ્રી અજય સદાણીએ આભારવિધિ કરી હતી.
બોક્ષ મેટર
વલસાડ શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલવા એસપી કચેરી સામે અને ઉડીપી સામેના બંધ રસ્તા ખોલાશેઃ– મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ
આરપીએફનો સ્થાપના સમારોહ પૂર્ણ થયા બાદ રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ અને લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલે મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આરપીએફમાં ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી સેફટી અને સિકયુરિટીને વધુ મજબૂત બનાવવા આજે સંકલ્પ લીધો છે. વલસાડમાં રેલવે સંબંધિત પ્રશ્નોનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, શહેરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉકેલવા માટે એસપી કચેરી સામે અને ઉડીપી સામેના બંધ રસ્તાને ખોલવામાં આવશે. છીપવાડ, ગુંદલાવ અને મોગરાવાડીમાં આરઓબી, ડુંગરી અને ઉદવાડામાં અંડર પાસ બનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉમરગામ ઔદ્યોગિક વિસ્તાર છે. મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. જે માટે ઉધનાથી વિરાર સુધી મુસાફરોને આવવા જવા માટે એક નવી મેમુ દોડવવા માટે અભ્યાસ કરાઈ રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજકટ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની ટ્રેક લીકિંગ થઈ ગઈ છે. ઓવરહેડ ઈલેકટ્રીકલ ટાવર લાગી રહ્યા છે. આવનારા ખૂબ જ ટૂંકા સમયમાં વાપીથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેન દોડતી થઈ જશે. મુંબઈમાં સમુદ્ર નીચે ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. આ મહત્વનો પ્રોજક્ટ છે જેનાથી ટ્રાન્સપોર્ટેશન સહિતનો ગ્રોથ થશે.
બોક્ષ મેટર
મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી સ્નેહસભર વાર્તાલાપ કર્યો
આરપીએફના સ્થાપના દિનની ઉજવણીમાં સામેલ થયેલી વલસાડ રેલવે સ્કૂલ અને સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ જ્યાં બેઠા હતા ત્યાં પહોંચી જઈ કેન્દ્રિય રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે બાળકો સાથે વ્હાલભર્યો સંવાદ કર્યો હતો. જેમાં બાળકો સાથે હાથ મિલાવી મંત્રીશ્રીએ બાળકોને પૂછયુ હતું. કે આજનો પ્રોગ્રામ કેવો લાગ્યો? તમને લોકોને સૌથી વધારે શું ગમ્યુ? એવા લાગણીસભર પ્રશ્નો પૂછતા બાળકોએ પણ ચહેરા પર સ્મિત સાથે પરેડ જોવાની ખૂબ જ મજા આવી હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ ભણવાનું કેવુ ચાલે છે એમ પૂછી હળવા મૂડમાં શિક્ષકો સાથે પણ સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીના પ્રેમાળ અને સ્નેહસભર મુલાકાતથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર પ્રસરી હતી.