GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલેકટર કચેરી ખાતે સમૂહમાં ‘વંદે માતરમ્’નું ગાન અને “સ્વદેશી અપનાવો”ના શપથ લેવાયા

તા.7/11/2025

વાત્સલયમ્ સમાચાર

રાજકોટમાં વહેલી સવારે સરકારી કચેરીઓમાં રાષ્ટ્ર ભાવનાને પ્રદીપ્ત કરતો માહોલ સર્જાયો

Rajkot: “સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્ સશ્યશ્યામલા માતરમ્ વંદે માતરમ્..” આ ગાનના શબ્દો દેશભક્તિને રોમ રોમમાં ઉજાગર કરે છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ ગાનના સર્જનની ૧૫૦ મી વર્ષગાંઠ નિમિત્તે આજરોજ રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

રાજકોટ કલેકટર કચેરી સહીત તમામ સરકારી કચેરીઓ ખાતે સમૂહમાં “વંદે માતરમ્” ગાન સાથોસાથ સ્વદેશી ભાવનાને પ્રજ્વલિત કરવા માટે શપથ લેવાયા હતા. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર શ્રી એ.કે. ગૌતમ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. કે. મુછાર સહીત અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ સવારે ૯:૩૦ કલાકે ‘વંદે માતરમ્’ ગાન બાદ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરાવાયેલા ‘સ્વદેશી અભિયાન’ અંતર્ગત સ્વદેશી વસ્તુઓ અપનાવી રાષ્ટ્રને મજબૂત કરવા સંકલ્પબદ્ધ થયા હતાં.

 

સ્વદેશી વસ્તુ દ્વારા સ્થાનિક વ્યાપાર ઉદ્યોગ અને કારીગરોને પ્રોત્સાહન મળે છે. વિદેશી વસ્તુઓની આયાત ઘટાડી દેશના આર્થિક વિકાસમાં સહભાગી બનવા, દેશના પ્રવાસન ક્ષેત્રનો મહત્તમ લાભ લેવા અને પર્યાવરણને બચાવવા સહિતના સંકલ્પ સાથે સૌ સાથે મળી રાષ્ટ્રને મજબૂત બનાવવા આગળ વધીએ તે સંદેશ આજના શપથમાં આવરી લેવાયો હતો.

Back to top button
error: Content is protected !!