ચોટીલા તાલુકાના સુરેઇ ગામમાં આવેલી વર્ની ઇન્વીરો કેર પ્રા.લી કંપનીને સીલ કરવાનો આદેશ આપ્યો.

તા.10/09/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સુરેઇ ગામમાં આવેલી વર્ની ઇન્વીરો કેર પ્રા.લી કંપનીને સીલ કરવાનો આદેશ આપ્યો છે આ કંપની હાનિકારક કેમિકલ ડમ્પિંગ કરીને પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહી હોવાનું ધ્યાનમાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે આ કંપની સર્વે નંબર ૨૮૩ પર એક મોટો શેડ બનાવીને વડોદરા, કચ્છ, અને અમદાવાદ જેવા શહેરોમાંથી અત્યંત દુર્ગંધયુક્ત અને હાનિકારક રસાયણિક કચરો ડમ્પરો દ્વારા લાવીને ડમ્પ કરી રહી હતી વધુમાં આ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં નાખવામાં આવી રહ્યું હતું જેના કારણે આજુ બાજુના ગામોનું ભૂગર્ભજળ દૂષિત થઈ રહ્યું હતું આ પ્રદૂષણના કારણે સુરેઇ, મોટા-હરણીયા, નાનીયાણી, અને ઝુંપડા જેવા ગામોના લોકોને પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે દૂષિત પાણીને લીધે ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ જેવી કે હૃદય, યકૃત, અને કિડનીના રોગો, ત્વચાના રોગો, ઉલટી, અને પેટના દુખાવાની સંભાવના પણ વધી ગઈ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટમાં પણ BOD/COD પેરામીટર્સનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું હતું જે ભૂગર્ભ જળના પ્રદૂષણની પુષ્ટિ કરે છે આથી કાયદેસરની કાર્યવાહી અર્થે તમામ હકીકતો અને જીપીસીબીના રિપોર્ટને ધ્યાનમાં લઈને ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણાએ લોકોના સુખાકારી અને આરોગ્યપ્રદ જીવનના અધિકારનું રક્ષણ કરવા માટે તાત્કાલિક ધોરણે કંપનીને સીલ મારવાનો આદેશ આપ્યો છે આ હુકમનું પાલન કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલાને સૂચનાઓ આપવામાં આવી છે કંપનીના ડિરેક્ટર હતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી અને મેનેજર વિવેકભાઈ દિનેશભાઈ જેઠવાને પણ આ હુકમની જાણ કરવામાં આવી છે.




