
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૦૯ સપ્ટેમ્બર : મેટલ વર્ક, પાઈપ ફીટિંગ સહિતની કામગીરી પૂર્ણ કરીને નેશનલ હાઈવેને શરૂ કરાયો. કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ચિત્રોડ રાપર બાલાસર હાઈવેને નુકસાન પહોંચ્યું હતું. પાણીના ઓવરટોપિંગ અને અમુક ભાગ પાણીના ભારે પ્રવાહના લીધે ધોવાઈ જતા નેશનલ હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો. ડાવરી ગામ પાસે ક્ષતિગ્રસ્ત થયેલા નેશનલ હાઈવેને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા મેટલ ફિલીંગ કરીને નેશનલ હાઈવેને મોટરેબલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પાણીના ભારે પ્રવાહના લીધે આગામી સમયમાં રોડ ધોવાઈ ના જાય તે માટે પાઈપ બેસાડવામાં આવી રહ્યા છે.
આ હાઈવે પર પાણીનું ઓવરટોપિંગ બંધ થતા જ હાઈવેને ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો છે. કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં નેશનલ હાઈવેને રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં વરસાદનું જોર ઘટતા જ વહીવટીતંત્ર દ્વારા વિવિધ રસ્તાઓને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.








