Rajkot: સુજલામ સુફલામ, કેચ ધ રેઈન અભિયાન હેઠળ રાજકોટ જિલ્લામાં ૧૪૫ કામો મંજૂર કરાયાં

તા.૨૦/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લામાં ૬૬ તળાવો ઊંડા ઉતારાશે, ૧૩ ચેકડેમોના રીપેરીંગ કરાશે
ચેકડેમ ડીશીલ્ટીંગ, રીપેરીંગ સહિતના ૧૦૨ કામો પ્રગતિમાં
Rajkot: રાજ્યમાં ચોમાસાના પાણી થકી ભૂગર્ભ જળસંચય કરવાના મુખ્ય હેતુસર સુજલામ સુફલામ જળ અભિયાન -‘કેચ ધ રેઈન-૨.૦’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં હાલ જળસંપત્તિ વિભાગના ૧૪૫ જેટલાં કામો મંજૂર કરવામાં આવ્યા છે.
આ અભિયાન હેઠળ જળસંચયનાં જુદા-જુદા કામોનું આયોજન કરવા માટે હાલમાં યોજાયેલી બેઠકમાં જણાવાયું હતું કે, જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંપત્તિ વિભાગના વિવિધ પ્રકારના ૧૫૪ જેટલા કામોમાંથી ૧૪૫ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ચેકડેમ ડીશીલ્ટીંગનાં ૨૦ કામો, ચેકડેમ રીપેરીંગનાં ૧૩ કામોનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૬૬ તળાવો ઊંડા ઉતારવામાં આવશે. એક નદીને પુનઃજીવિત કરવામાં આવશે, ૩૯ નદીઓ તથા એક વોકળાની સાફસફાઈ કરાશે.
અત્યાર સુધીમાં જળાશય ડીશીલ્ટીંગનાં ૦૨ કામો, બે તળાવના પાળા અને વેસ્ટ વિયરનું મજબુતીકરણની કામગીરી અને એક અનુશ્રવણ તળાવની કામગીરી સંપન્ન થઈ ગઈ છે. જ્યારે ૧૦૨ કામો પ્રગતિ હેઠળ છે.
મહત્ત્વનું છે કે, આ કામોમાંથી ૬૭ કામો પંચાયત (લોકભાગીદારી)થી કરાશે, જયારે બે કામો પંચાયત વિભાગ દ્વારા થશે. ૬૧ કામો રાજ્ય (લોકભાગીદારી) તથા ૧૫ કામો રાજ્ય (વિભાગ) દ્વારા થશે.






