
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી યુવા મંચ અને Step of Inspiration – ડાંગ યુનિટ દ્વારા બારીપાડા ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ અને તેની અસ્મિતા જાળવી રાખવાનો હતો.આ કાર્યક્રમનો પ્રારંભ શામગહાન ખાતેના બિરસા મુંડા સર્કલ પર પૂજા-અર્ચનાથી થયો હતો.ત્યારબાદ, બારીપાડાના આંબેડકર સર્કલ ખાતે પૂજા કરીને ભવ્ય સાંસ્કૃતિક રેલીની શરૂઆત કરવામાં આવી હતી.આ રેલીમાં પારંપરિક વેશભૂષામાં સજ્જ આદિવાસી સમુદાયના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો.પરંપરાગત વાજિંત્રો જેવા કે પાવરી, માદળ, અને કાહળયાના સંગીત સાથે ઠાકરે અને ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યા. આ ઉપરાંત, બળદગાડા અને અન્ય સાંસ્કૃતિક પ્રતીકો સાથે રેલીએ સમગ્ર ગામમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.આદિવાસી યુવા મંચ દ્વારા આધુનિકતા અપનાવવા સાથે પોતાની સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવાનો સંદેશો આપવામાં આવ્યો.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ઉજવણી માત્ર નાચ-ગાન સુધી સીમિત ન રહેવી જોઈએ, પરંતુ સાચા અર્થમાં સમાજની સંસ્કૃતિ અને પહેરવેશની જાળવણી થવી જોઈએ.બારીપાડા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને એક સભાનું પણ આયોજન થયું હતુ.આ કાર્યક્રમમાં બારીપાડા, ચિરાપાડા અને ભુરાપાણી ગામની પ્રાથમિક શાળાના બાળકોએ આદિવાસી નૃત્યો રજૂ કર્યા.ડાંગની પ્રસિદ્ધ ‘ST DANG’ યુટ્યુબ ચેનલના કલાકારોએ તેમના રચેલા આદિવાસી ગીતો પર શાનદાર પ્રદર્શન કર્યું અને ઠાકરે નૃત્ય દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.આ પ્રસંગે, ઉપસ્થિત સૌને આદિવાસી ભોજન પીરસવામાં આવ્યુ.જેમાં આંબિલ-પેજળુ અને તુવેર-ચણાનું ઘુઘરી સામેલ હતું.આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો જેવા કે બળવંતભાઈ દેશમુખ, સુરેશભાઈ પવાર, અને રતનભાઈ ચૌધરીએ પોતાના વક્તવ્યમાં સમાજમાં જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો. તેમણે આદિવાસી સમાજને તેમની સંસ્કૃતિ અને “જળ, જંગલ, જમીન”નું રક્ષણ કરીને પોતાની અસ્મિતા બચાવવાની હાકલ કરી.આ કાર્યક્રમમાં બળવંતભાઈ દેશમુખ, મોહનસિંગભાઈ માહલે, કોન્જુભાઈ ગાવિત, પર્વતારોહક ભોવાનભાઈ રાઠોડ,નીતિનભાઈ રાઉત,ઉપ સરપંચ સંતોષભાઈ ભૂસારા,નવા ચૂંટાયેલા સરપંચો, ગામના પાટીલ, કારભારીઓ, યુવાનો, બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી યુવા મંચના સભ્યોની મહેનત અને ગ્રામજનોના સહકારથી આખો કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો..




