HALVAD:હળવદના મિયાણીમાં ભુંડ પકડવા બાબતે : તલવાર અને ધોકા વડે હુમલો, ૪ શખ્સો સામે ફરિયાદ

HALVAD:હળવદના મિયાણીમાં ભુંડ પકડવા બાબતે : તલવાર અને ધોકા વડે હુમલો, ૪ શખ્સો સામે ફરિયાદ
હળવદ તાલુકાના મિયાણી ગામે ભુંડ પકડવા ગયેલા યુવાનો પર અન્ય શખ્સોએ હિંસક હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં ભુંડ પકડવા કેમ આવ્યા છો તેમ કહી તલવાર અને લાકડાના ધોકા વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. હળવદ પોલીસે આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેરના આર.કે. નગરમાં રહેતા અને ભુંડ પકડવાનો વ્યવસાય કરતા નારણસિંધ જર્નેલસિંધ બગ્ગા (ઉં.વ. ૨૩) પોતાના સાથીઓ સાથે મિયાણી ગામે ભુંડ પકડવા ગયા હતા. આ દરમિયાન અન્ય જૂથના શખ્સોએ ત્યાં આવી “અમારા વિસ્તારમાં તમે કેમ ભુંડ પકડવા આવ્યા છો?” તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.આ હિંસક હુમલામાં હુમલાખોરોએ તલવાર અને ધોકા જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો: નારણસિંધ બગ્ગા, જરાપીરસિંધ, જયવીરસિંધ (તલવારના ઘા વાગ્યા) અને ગુરમુખસિંધ (ધોકાનો માર).
આરોપીઓ: કિર્તીનસિંધ, બલદેવસિંધ (રહે. ધ્રાંગધ્રા) તથા ખારાસિંધ અને હરમિન્દરસિંધ (રહે. હળવદ).આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્રોને ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો અને તલવારના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાખ્યા હતા. જતાં-જતાં આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હળવદ પોલીસે નારણસિંધની ફરિયાદના આધારે ચારેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.










