GUJARATKUTCHMANDAVI

૩૦૦ મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ભુજમાં તિરંગા યાત્રાનો સાંસદશ્રી વિનોદ ચાવડાએ પ્રારંભ કરાવ્યો.

વિદ્યાર્થીઓ અને જવાનોના દેશભક્તિના નારાથી શહેરના મુખ્યમાર્ગો ગુંજી ઉઠ્યા : તિરંગા યાત્રાના માધ્યમથી શહેરવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરાયો અનુરોધ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા -૧૧ ઓગસ્ટ : ‘હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ૩૦૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોક નૃત્ય કલાકારો, અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો, આઇકોનીક વ્યકિતઓ, સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે માનનીય વડાપ્રધાનશ્રીના ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત ભુજ જયુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ડફ્રેડ હાઇસ્કુલ સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી આયોજીત આ રેલીમાં જોડાયેલા રાષ્ટ્રપ્રેમીઓએ ભુજ શહેરના લોકોને વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ સાથે હર ઘર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો. રેલીને પ્રસ્થાન કરાવતા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, તિરંગો આપણી શાન છે, આપણું અભિમાન છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કચ્છવાસીઓ પણ આ અભિયાનમાં સહભાગી બનીને પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યકત કરે. આજની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકો, વિદ્યાર્થીઓ, રમતવીરો વગેરેને અભિનંદન પાઠવ્યા હતા. ”હર ઘર તિરંગા” અભિયાનમાં આસપાસના દરેક નાગરિકોને ઉત્સાહથી જોડાવવા અપીલ કરતા તેમણે કચ્છવાસીઓને રાષ્ટ્રધ્વજને પુરા માન સાથે ઘર, દુકાન, વાણિજ્ય સંકુલો, સામાજિક સંસ્થાઓ વગેરે પર લહેરાવી દેશભાવના પ્રગટ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર અભિયાન થકી દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તથા સમાજમાં એકતા, સમરસતા વધે તે હેતુથી વડાપ્રધાનશ્રી દ્વારા સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ તથા ‘તિરંગા યાત્રા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભારતના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે, આપણા તિરંગાને માન સાથે ગર્વભેર ઘર ઘર સ્થાન આપીએ. દેશને ઝાંકપ લાગે તેવા કૃત્ય ન કરવા તથા કોઇ કરતું હોય તો તેને રોકવા સમર્થ બનવા તેમણે અનુરોધ કર્યો હતો. આવનારી પેઢી દેશનું ભવિષ્ય હોવાથી તેઓ દેશની આઝાદીની કિંમત સમજે તથા દેશના ઉજ્જવળ ભવિષ્યને ઘડવા પ્રબળ રાષ્ટ્રભાવના સાથે સહયોગ આપે તેવો અનુરોધ કર્યો હતો.જયુબિલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી રેલી વંદે માતરમના જયધોષ સાથે શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઇને હમીરસર કાંઠે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. શહેરના મુખ્યમાર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ તથા હોમગાર્ડ જવાનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.કલેકટરશ્રી અમિત અરોરાએ સ્વાગત પ્રવચન કરતા, નાગરિકોને મોટી સંખ્યામાં આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ભુજ નગરપતિશ્રી રશ્મિબેન સોલંકી, રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયા, એસ.પીશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, આગેવાનશ્રી દેવરાજભાઇ વરચંદ, જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ, સર્વશ્રી પદાધિકારીઓશ્રીઓ, આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!