GUJARATRAJKOT CITY / TALUKOVINCHCHHIYA

Vichchhiya: વિંછીયા તાલુકાના હાથસણી ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન

તા.૨૧/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રૂ.૩૨ લાખના ખર્ચે તૈયાર થયેલ આયુષ્માનઆરોગ્ય મંદિરમા ગ્રામજનોને આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે

Rajkot, Vichchhiya: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા તાલુકાના હાથસણી ગામે નવા બનેલા પેટા આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. રૂ.૩૨ લાખના ખર્ચે નિર્માણ પામેલા આ આયુષ્માન આરોગ્ય મંદિર હાથસણી ગ્રામજનોને આરોગ્યની સેવા ઉપલબ્ધ થશે.

આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, “ગામે ગામ આરોગ્યની સેવા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે”. પેટા આરોગ્ય કેન્દ્ર બનવાથી ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ પ્રાથમિક નિદાન, સારવાર અને દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આરોગ્યલક્ષી યોજનાઓથી નાગરિકોને બિમારીમા વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવે છે.

આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વ્યસનમુક્ત રહેવા, સવારે વહેલા જાગી શરીરને કાર્યરત રાખવાની સાથે પોષણયુક્ત આહાર મેળવવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. આ ઉપરાંત ગામમાં કોઈ ટી.બી.ના દર્દી હોય તો તેમણે નિયમિત ડોક્ટરના માર્ગદર્શન મુજબ દવા લેવા અપીલ કરી હતી.

તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજાએ પેટા આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાની વિસ્તૃત જાણકારી આપી હતી. અગ્રણીશ્રી અશ્વિનભાઈ સાકળીયાએ સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ વિશે ગામ લોકોને જાણકારી આપી હતી.

કાર્યક્રમની આભાર વિધિ મેડિકલ ઓફિસરશ્રી ડો. હરસીભાઈએ તેમજ કાર્યક્રમનું સંચાલન નટુભાઈ ગામેતીએ કર્યું હતું.

આ તકે અગ્રણીશ્રી દેવાભાઈ ગઢાદરા,શ્રી અશ્વિનભાઈ સાંકળીયા, યાર્ડના ચેરમેનશ્રી કડવાભાઈ, સરપંચશ્રી દિનેશભાઈ દેકાણી, મામલતદાર શ્રી આર.કે.પંચાલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી પાર્થ રાજસિંહ પરમાર, સ્થાનિક અગ્રણીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!