વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ડાંગ દ્વારા તાજેતરમાં વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શામગહાન ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અધર્મ પર ધર્મના વિજય, સત્ય, ન્યાય અને નૈતિકતાના આ મહાપર્વ પર સ્વયંસેવકો દ્વારા પરેડ રેલી યોજીને હિન્દુત્વની એકતાનો દમદાર સંદેશો આપવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લાના શામગહાન સ્થિત ગણપતિ મેદાન, બસ સ્ટેન્ડની પાછળ તા. ૦૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ આ વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.શામગહાન મુખ્ય માર્ગ પર પરેડ રેલીમાં મોટી સંખ્યામાં RSSના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો જોડાયા હતા, જેમણે સંપૂર્ણ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે સંચલન કરીને પોતાની રાષ્ટ્રભક્તિ અને સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું હતુ. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમસ્ત હિન્દુ સમાજને સંગઠિત કરી, રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિના ભગીરથ કાર્ય માટે પ્રેરિત કરવાનો હતો.આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સાપુતારા હોટેલ એસોસિયેશનના સેક્રેટરી તુકારામભાઈ કર્ડિલે દ્વારા શોભાવવામાં આવ્યુ હતુ.તેઓ પ્રમુખ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.અહી હોટલ એસોસિએશનનાં સેક્રેટરી તુકારામભાઈ કર્ડીલેએ આર.એસ.એસની શિસ્ત અને દેશ માટેનો પ્રેમને બિરદાવ્યો હતો તથા સ્થાપના અને મૂલ્યો તથા સિદ્ધાંતો વિશે પ્રવચન આપ્યુ હતુ.આ પ્રસંગે ડાંગ જિલ્લાનાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં સંઘ ચાલક છબીલદાસ વ્યવહારે તથા મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહક ગોવિંદાભાઈ કુંવર સહીત શામગહાન વિસ્તારનાં આર.એસ.એસ.ના અનેક કાર્યકર્તાઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વયંસેવકોનો ઉત્સાહ જોવા જેવો હતો, અને આ વિજયાદશમી ઉત્સવ થકી ડાંગ જિલ્લામાં હિન્દુ સમાજની એકતા અને રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો.