Rajkot: પડધરી ગામમાં ‘વિકાસ રથ’ને ઢોલ-નગારાના નાદ સાથે આવકારાયો
તા. 9/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ૨૪ સફળ વર્ષોની ઉજવણી નિમિત્તે ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં વિકાસ રથ ગત તા. ૦૮ના રોજ રાત્રે પરાપીપળીયાથી પડધરી ખાતે પહોંચ્યો હતો.
પડધરી ગામમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી ગિરીરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ‘વિકાસ રથ’ને ઢોલ-નગારાના નાદ સાથે આવકારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ રૂ. ૨૬ લાખના કુલ ૦૬ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું. રાષ્ટ્રીય ગ્રામ્ય આજીવિકા મિશન હેઠળ કુલ ૦૫ લાભાર્થીઓને કુલ રૂ. ૦૭ લાખ ૫૦ હજારની સહાયનું વિતરણ કરાયું હતું. તેમજ આરોગ્ય શાખા દ્વારા ૦૨ લાભાર્થીઓને પોષણ કીટ, બાળ સંકલિત યોજના કચેરી દ્વારા ૦૨ લાભાર્થીઓને પોષણ કીટ તથા મામલતદાર કચેરી દ્વારા ૦૨ ગંગાસ્વરૂપા અને ૦૨ વૃદ્ધોને સહાય અપાઈ હતી. આ તકે સરપંચ શ્રી વિજયભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેશભાઈ સુદાણી, મામલતદાર શ્રી કે. જી. સખીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી જી. પી. ભીમાણી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.