
અકસ્માતને 32 વર્ષ વીત્યા ! છતાં પણ ન્યાય અધુરો? કોર્ટે એ નર્મદા પોલીસ વડાની કચેરીનો સમાન જપ્ત કરવાનો હુકમ કર્યો…
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અંગત રસ લઈ ભોગ બનનારને વળતર અપાવી ન્યાય અપાવશે તેવી આશા….
રાજપીપલા : જુનેદ ખત્રી
સમગ્ર ઘટના એવી છે કે વર્ષ 1992 મા મૂળ મહારાષ્ટ્ર ના નંદુરબાર નો એક મુસ્લિમ પરિવાર હાલના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે લગ્ન પ્રસંગ મા આવ્યો હતો, ત્યારે સાગબારા પોલીસ મથકની જીપે 12 વર્ષ ના પરવેઝ નામના સગીર ને રોડ ઉપર ટક્કર મારતા શરીરે ગંભીર ઇજાઓ અને મલ્ટીપલ ફ્રેક્ચર થતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં 3 માસ સારવાર માટે દાખલ કરેલ જેને કારણે ઇજાગ્રસ્ત સગીર નું બાકીનું જીવન શારીરિક રીતે અક્ષમતાઓને કારણે પ્રભાવિત થયેલ અને શિક્ષણ પણ અધૂરું રહી ગયેલ.
ત્યારે આ મામલે સગીર વયના પરવેઝના પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરી ન્યાય મેળવવા કોર્ટની શરણે ગયેલ, આર્થિક રીતે નબળા આ પરિવારે ન્યાય ની આશામા મહારાષ્ટ્ર થી ગુજરાત કોર્ટના ચક્કર કાપતા રહ્યા એ દરમિયાન સગીર પરવેઝ ના પિતા અને આ કેસ ના ફરિયાદી મુખત્યાર મન્સૂરીનું વર્ષ 2007 માં કુદરતી મૌત થઈ જાય છે.
પણ ન્યાય અધુરો જ રહે છે. ત્યાર બાદ તેમની વિધવા પત્ની નૂર બાનું પોતાના દીકરાને ન્યાય અપાવવા કોર્ટના ચક્કર કાપે છે. આખરે 22 વરસ ના ભારે સંઘર્ષ બાદ 2014 મા નર્મદા ની ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા અરજદાર ને રૂપિયા 25 હજાર નું વળતર 9% ના વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કરે છે.
પણ કોઈ અગમ્ય કારણોસર નર્મદા પોલીસ કોર્ટના આ ચૂકાદા નો અમલ કરતી નથી, એમાં ને એમાં કુલ 32 વર્ષ વીતી જવા છતાં પણ પીડિત પરિવાર આજે પણ કોર્ટે કરેલા રૂપિયા પચ્ચીસ હજાર 9% વ્યાજ સાથે નું રૂ.88,669 નું વળતર મેળવવા થી વંચિત છે.
ત્યારે આખરે 32 વર્ષે કોર્ટે નર્મદા કોર્ટે ચુકાદા નો અમલ નહિ કરતા નર્મદા જિલ્લા પોલીસ વડા ની કચેરીનું કોમ્પ્યુટર, ફ્રીજ, ટીવી, ટેબલ, કુરસી, પંખા વિગેરે જપ્ત કરી, જો સામાવાળા રૂ.88,669 અને જપ્તી ખર્ચ ના આપે તો કોર્ટ બીજો હુકમ ના કરે ત્યાં સુધી કોર્ટના બેલીફે પોતાની પાસે રાખવી તેવો હુકમ કરતા ચકચાર મચી છે પોલીસે એટલા વર્ષો સુધી ભોગ બનનાર ને વળતર કેમ નહિ ચૂકવ્યું એ પણ એક પેચીદો પ્રશ્ન છે.. ?
ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીનું સમાન જપ્ત કરવાનું ઓર્ડર લઈ કોર્ટ બેલીફ અને અરજદાર પરવેઝ મન્સૂરી કચેરી એ પહોંચ્યા હતા, અને જિલ્લા પોલીસ વડાને મળી કોર્ટનો હુકમ બતાવતા જિલ્લા પોલોસ વડા તરફ થી 60 દિવસની મુદત કોર્ટ સમક્ષ માંગવામાં આવી હતી તેમ જાણવા મળે છે. ત્યારે હંમેશા ન્યાય અને કાયદો વ્યવસ્થા જાળવવા અગ્રીમ અને નર્મદા જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરતા પોલીસ વડા પ્રશાંત સુંબે અંગત રસ લઈ ભોગ બનનારને વળતર અપાવી ન્યાય અપાવશે તેવી આશા સેવાઈ રહી છે



