GUJARATKUTCHNAKHATRANA

નખત્રાણાના વિથોણ ખેતાબાપા સંસ્થાન ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ભૂલકાં મેળો યોજાયો.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ અને બાલવાટિકા માટેની સજ્જતા કેળવવા “પા પા પગલી” પ્રોજેક્ટ કાર્યરત .

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૯ સપ્ટેમ્બર : ભૂલકાઓ માટે ભાર વિનાના ભણતરને પ્રોત્સાહન આપવું જરૂરી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા.

પોષણ માસ ઉજવણી અંતર્ગત કુપોષિત બાળકો અને સગર્ભા માતાઓને કીટ વિતરણ સાથે વાલીઓને પોષણ પ્રોત્સાહન સન્માન અપાયું.

નખત્રાણા તાલુકાના વિથોણ ખેતાબાપા સંસ્થાન ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને માંડવી ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે અને જિલ્લા ઉપપ્રમુખશ્રી મનીષાબેન વેલાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો કાર્યક્રમ યોજાયો હતો.મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણને સઘન બનાવવા અને આંગણવાડી કેન્દ્રમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ અને બાલવાટિકા માટેની સજ્જતા કેળવી શાળામાં પ્રવેશ મેળવે તે માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે “પા પા પગલી” પ્રોજેક્ટનો અમલ કરવામાં આવેલો છે. જે અંતર્ગંત સમાજમાં બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા TLM પ્રદર્શની તેમજ પોષણ વાનગી નિર્દેશન યોજાયું હતું.આ કાર્યક્રમમાં સાંસદશ્રી એ બાળકોની કૃતિ અને આંગણવાડી કાર્યકર દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, બાળકોના છે ભવિષ્યને બનાવવા માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ભાર મુકવો જરૂરી છે. આ સાથે જ માંડવી ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે એ આંગણવાડી કાર્યકર બહેનોના કાર્યને પ્રોત્સાહિત કર્યું હતું તેમજ અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા એ આજે ભુલકાઓ માટે ભાર વિનાના ભણતરને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.કાર્યક્રમમાં આંગણવાડીના ૩-૬ વર્ષના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓ જેવી કે મગર અને વાંદરાની વાર્તા, પ્રાણીઓનો ફેશન શો, કચ્છની સંસ્કૃતિ ઉજાગર કરતા ગરબો (હેલારો) જેવી પ્રવૃતિઓ રજૂ કરાઈ હતી. જેમાં ઓપરેશન સિંદૂરનું નાટક અને ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રકટર દ્વારા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવી હતી તેમજ આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ TLM શીખવા શીખવવાની સસ્તી શૈક્ષણિક સાધન સામગ્રીની પ્રદર્શની પણ યોજવામાં આવી હતી. મેળામાં કિશોરીઓનો HB ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ સાથે પોષણ માસ ઉજવણી અંતર્ગત કુપોષિત પાંચ બાળકો અને સગર્ભા માતાઓને કીટ વિતરણ અને પાંચ બાળકોના વાલીઓને પોષણ પ્રોત્સાહન સન્માન કરવામાં આવ્યું હતું. માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવેલ. આ સાથે વાનગી સ્પર્ધામાં વિજેતા થનાર બહેનોનું સન્માન કરાયું. આ કાર્યક્રમમાં પ્રિ સ્કૂલ કીટ પ્રદર્શની અને ભૂલકા મેળામાં આવેલ બાળકોને સ્ટેશનરી કીટ તથા ભાગ લેનાર બાળકોને ગલ્લો (કોઈન બોક્ષ) ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધિ નખત્રાણા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!