વિકાસ સપ્તાહ-2025 : સરખેજ ખાતે 21 કરોડના ખર્ચે બનેલા આધુનિક ITI ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ ઈ-લોકાર્પણ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : વિકાસ સપ્તાહ-2025ના અવસરે શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ અંતર્ગત આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) સરખેજ ખાતે રૂ. 21 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા સ્તરના ITI કેન્દ્રોમાં પણ આ સમારોહ જીવંત પ્રસારણ મારફતે નિહાળવામાં આવ્યો, જેનાથી રાજ્યભરમાં વિકાસ અને કૌશલ્ય સુધારાના ઉત્સાહનો માહોલ છવાયો હતો.
નવનિર્મિત આ ભવન આધુનિક તાલીમ સાધનો, વર્કશોપ્સ અને સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ છે, જે વિદ્યાર્થીઓને નવીન ટેકનોલોજી અને ઔદ્યોગિક જરૂરિયાતો અનુસાર તાલીમ મેળવવા માટે ઉત્તમ માધ્યમ પૂરું પાડશે. ITI સરખેજ હવે ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ તરીકે વિકસશે, જ્યાં ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેનો સક્રિય સંબંધ વધુ મજબૂત બનશે.
સમારંભના અધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રિએશન, હેરિટેજ અને કલ્ચરલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે “આ ભવન માત્ર ઈમારત નથી, પણ યુવા પેઢીને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પનું પ્રતિક છે.” તેમણે સંસ્થાના વિકાસ માટે દરેક સ્તરે સહકાર આપવાની ખાતરી આપી.
વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત હર્ષા એન્જિનિયરિંગ ઇન્ટરનેશનલના ચેરમેન અને ચાંગોદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજુભાઈ શાહે જણાવ્યું કે ઉદ્યોગજગત અને તાલીમ સંસ્થાઓ વચ્ચેનો સહકાર યુવા પેઢી માટે નવી રોજગાર તકોના દ્વાર ખોલશે. તેમણે ITI સરખેજને જરૂરી સાધનસામગ્રી અને ટેકનિકલ સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ પ્રસંગે સરખેજ વોર્ડના કાઉન્સિલર, નામાંકિત ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, સંસ્થાના આચાર્ય સી. બી. ઝાલા, શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવનિર્મિત આ ભવનમાં વિવિધ તાલીમ ક્ષેત્રો માટે સુવિધાસભર લેબોરેટરીઓ, પ્રેક્ટિકલ હોલ, કોન્ફરન્સ રૂમ અને ડિજિટલ લર્નિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. કૌશલ્ય આધારિત શિક્ષણ દ્વારા યુવાનોને ઉદ્યોગની જરૂરિયાતો મુજબ કૌશલ્ય પ્રાપ્ત થાય અને તેઓ આત્મનિર્ભર બને, તેવો રાજ્ય સરકારનો હેતુ છે.
આ કાર્યક્રમ ‘વિકાસ સપ્તાહ-2025’ના ભાગરૂપે ગુજરાતના કૌશલ્ય વિકાસના વિઝનને નવી દિશા આપે છે. ITI સરખેજનું આ આધુનિક ભવન યુવા શક્તિને પ્રોત્સાહન આપી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.