GUJARATJETPURRAJKOT CITY / TALUKO

Virpur: જય જલિયાણના નાદથી ગુંજ્યું વીરપુર, દિવાળી જેવો ઉત્સવ: યાત્રાધામ વીરપુરના જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી

તા.૮/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વીરપુરની શેરીઓ-ગલીઓમાં રોશનીનો ઝળહળાટ, લોકોએ ઘર આંગણે રંગોળીઓ બનાવી ભાવિકોને આવકાર્યા

દેશ-વિદેશમાંથી હજારો ભક્તો ઊમટી પડ્યા, જલારામબાપાના દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનો

સવારમાં ભવ્ય શોભાયાત્રા બાદ મહાઆરતી સહિતના કાર્યક્રમો, 225 કિલો કેકની પ્રસાદીનું વિતરણ

Rajkot, Virpur: “જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો’ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમી અને કર્મભૂમી વીરપુરધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતિની નિમીતે લાખો ભાવિકો ઉમટી પડેલા જેઓએ બાપાના દર્શન કરી સદાવ્રતનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ લાખો ભાવિકોની ભીડ ઉમટી…પૂજ્ય જલાબાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી. જય જલીયાણના નાંદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું.

પૂજ્ય જલારામબાપાની ૨૨૫મી જન્મ જયંતિ નિમિતે વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગામને ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુર વાસીઓએ ઘેર-ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, દિવડાઓ, લાઈટ ડેકોરેશન, આંગણાઓમાં જલારામબાપાના જીવનની ઝાંખી દર્શાવતી રંગબેરંગી રંગોળીઓ પુરવામાં આવી હતી. વહેલી સવારે પૂજય બાપાના પરીવારજનો દ્વારા બાપાની સમાધીએ પૂજા અર્ચના કર્યા બાદ નીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકતા જન્મ જયંતિ નીમીતે આરતીનો લાભ લેવા ભાવિકોનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટી પડયું હતું.

ત્યાર બાદ પૂજય બાપાની ૨૨૫મી જન્મ જયંતી હોય સેવાભાવી યુવાનો દ્વારા ૨૨૫ કિલોની ગુંદી અને ગાંઠિયાના પેકેટ બનાવી ભવિકોને પ્રસાદરૂપે વિતરણ કર્યા હતા.

જલારામબાપાની જન્મ જયંતિ હોય જલારામ ગ્રૂપ દ્વારા કેક કાપી મંદિરેથી શોભાયાત્રા કાઢવામા આવી જેમાં પૂજય બાપાના જીવનને ચરિતાર્થ કરતી વિવિધ ઝાંખીઓ સાથેની શોભાયાત્રા સમગ્ર ગામના રાજમાર્ગ પર ફરી હતી. સુરતના ગભેણી તેમજ ગામના આ પદયાત્રીઓએ વીરપુર પહોંચતા જ વીરપુરની પાવન ભૂમિ પર બેસીને જલારામ બાપાની ધૂન બોલીને પૂજ્ય બાપાના દર્શન કરી જલારામ બાપાને ખાસ પ્રાર્થના કરી હતી. આ સંઘના પરેશભાઈ પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે ૫૦૦ થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષોનો પગપાળા તેમજ સાયકલ યાત્રિકો સંઘ લઈને દિવાળી પહેલા સુરત ઉન ગામ અને ગભેણીથી નીકળ્યા હતા. અલગ અલગ મિત્ર મંડળ તેમજ સમાજો દ્વારા ઠેર ઠેર પાણી ના પરબ,સરબત,છાશ,નાસ્તાની સેવાઓ આપવામાં આવી હતી અને આવનારા યાત્રાળુઓને પૂરતી સુવિધા મળી રહે તે માટે ૩૦૦ જેટલા સ્વંયસેવકો દ્વારા ખડેપગે સેવા આપવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાની જાળવણી માટે ૧ પી.આઈ. ૨ પી.એસ.આઈ. તેમજ ૨૮૦ જેટલા પોલીસ જવાનો ખેડેપગે રહ્યા હતા..

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામબાપાનું વિરપુર ધામ તેમાં કોઈ પણ જાતનું દાન કે ભેંટ પૂજા સ્વીકાર્યો વગર સદાવ્રત ચાલું હોવાને ૨૫ વર્ષ થઈ ગયા છે.

આજે પૂજય બાપાની જન્મ જયંતિ નિમિતે દેશ-વિદેશથી – પધારેલા લાખો શ્રધ્ધાળુંઑએ – પ્રસાદ લીધો હતો. અને હજુ પૂજ્ય જલારામબાપાના ભક્તોનો પ્રવાહ – અવિરત પણે હજુ વીરપુર બાજુ આવી રહ્યો છે. ગાગર જેવડા – વીરપુરમાં સાગર જેવડો સંત પૂજય જલારામબાપાની જન્મ જ્યંતીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી .

 

બોક્સ

વીરપુર: જલારામબાપાની ૨૨૫મી જન્મ જયંતિ ઉજવાઈ : “યે રિશ્તા ક્યાં કેહલતા હે”ની જલ્પા (રોશની સોલંકી)એ કર્યા બાપાના દર્શન.

યાત્રાધામ વીરપુરના જલારામબાપાની ૨૨૫મી જન્મ જયંતિ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી દેશ-વિદેશમાંથી હજારો ભક્તો બાપાના દર્શન કરવા આવ્યા હતા વહેલી સવારથી બાપાના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે યે રિશ્તા ક્યાં કેહલતા હે”ની જલ્પા ( રોશની સોલંકીએ ) બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

Back to top button
error: Content is protected !!